દિન દયાળ પોર્ટ કંડલા હસ્તકના તુણા બંદરેથી અખાતી દેશોમાં જીવીત પશુઓની થઈ રહેલી નિકાસ સામે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધ્યાન દોર્યું હતું. અગાઉ એક શિપમાં ૫ હજાર ઘેટા બકરા નિકાસ થયા હતા. તે અંગે જૈનાચાર્ય યશોવીજયજી મ.સા.ને આ હકીકત ધ્યાને આવતા તેમણે આ રીતે કતલ માટે મોકલાતા મૂંગા પશુઓને બચાવી લેવા માટે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાનું ધ્યાન દોર્યુ હતું. કચ્છના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈનું ધ્યાન દોરી વર્તમાન સમયે કોરોનાના સંક્રમણ વચ્ચે આ રીતે જીવીત પશુઓની થઈ રહેલી નિકાસ સામે રોક લગાવવા જણાવ્યું હતું. જૈનાચાર્ય યશોવિજયજી મ.સા. સહિત અન્ય જીવદયાપ્રેમીઓની લાગણી સમજી સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ કંડલા પોર્ટના સત્તાવાળાઓને ફોન કરી લાઈવસ્ટોક (જીવીત પશુઓ)ની નિકાસ અટકાવવાનું કહેતા, હાલ તુરત અચોક્કસ મુદત માટે નિકાસ અટકાવાઈ છે. જોકે, આ પગલાંથી હાલમાં જ ૧૫ હજાર પશુઓને ત્રણ વહાણમાં ભરીને નિકાસ કરવાની તૈયારી હતી, તે તમામના જીવ બચાવી લેવાયા છે. પણ, ભૂતકાળમાં રાજ્ય સરકારે જીવદયાપ્રેમીઓની રજુઆત બાદ નિકાસ આ રીતે અટકાવી હતી, પણ પશુઓની નિકાસ કરનારાઓ હાઇકોર્ટમાં ગયા હતા અને નિકાસ ઉપરનો પ્રતિબંધ હતી ગયો હતો. જીવદયાપ્રેમીઓએ હવે રજૂઆતની સાથે કાયદાકીય લડત આદરવી પડશે તો જ કતલ માટે થતી જીવતા પશુઓની નિકાસ કચ્છ ગુજરાતમાંથી અટકશે.