રાપર નગરપાલિકા સરકારી ડિફોલ્ટરોથી આર્થિક ડામાડોળ, વેરા વસુલાત બંધ, નાણાકીય વ્યવહાર ઠપ્પ

લોકડાઉનમાં વેરા વસુલાતની કામગીરી બંધ છે તો વળી સરકારી ડિફોલ્ટરો દ્વારા જ વેરો ન ભરાતાં રાપર નગરપાલિકાનો નાણાકીય વ્યવહાર ખોરવાયો છે, જે અંગે રાજ્યના મુખ્યમંત્રી અને કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ છે.લોકડાઉનમાં જાહેર ઉપયોગી સુવિધાઓ, સેનિટાઇઝેશન, સફાઇ અને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ વેરા વસુલાતની કામગીરી ઠપ્પ છે, જેથી હાલના સંજોગોમાં પગાર, આરોગ્યલક્ષી પ્રવૃત્તિના ખર્ચા સહિત આર્થિક વહીવટ ચલાવવો મુશ્કેલીરૂપ બન્યો છે. ઉપરાંત સરકારી કચેરીઓ પાસેથી વેરા પેટે મોટી રકમ બાકી છે. જો સરકારી કચેરીઓ દ્વારા નિયમિત વેરા ભરપાઇ કરાય તો રાજ્ય સરકારને કોઇ નાણાકીય સહાય કરવાની જરૂર રહે નહીં. સરકારી કચેરીઓ સમયસર વેરા ભરપાઇ કરે તેવો આદેશ કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા દ્વારા લેખિત રજૂઆત કરાઇ છે. વધુમાં પાલિકાના મુખ્ય અધિકારીએ પણ પાલિકાની હદમાં આવતી સરકારી કચેરીઓ દ્વારા વેરો ભરાતો ન હોઇ, નગરપાલિકાનો આર્થિક ખોરવાયો હોવાની રજૂઆત કચ્છ કલેક્ટર સમક્ષ કરી છે