લાલપુર તાલુકાના સણોસરીથી ગોપ ગામના પાટીયા પાસે આજે સવારે પુરપાટ આવતી કારે બાઈકને હડફેટે લેતાં દંપતી ખંડિત થયું છે. પત્નીને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપરગામના ચંદુભાઈ કેશુભાઈ વારા(ઉ.વ.પ૮) નામના તેમની પત્ની ચંપાબેન (ઉ.વ.પપ) નામનું દંપતી આજે સવારે બાઈક પર જામનગરના ગોકુલનગર રામ મંદીરની પાછળ રહેતાં પુત્ર દીપકભાઈના ઘરે આવતાં હતાં. ત્યારે તેઓ લાલપુર તાલુકાના સણોસરાગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતાં. ગાંધીધામ-કચ્છના કાર ચાલકે પોતાની કાર બેફીકરાઈથી ચલાવીને બાઈકને હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બાઈક અને કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. આ અંગેની રોડ પરથી પસાર થતાં વ્યક્તિએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં બાઈક ચાલક ચંદુભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ચંપાબેનને શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.