કોરોના મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. બરાબર એ જ સમયે બંને દેશો દક્ષિણ ચીની સમુદ્રમાં પણ શક્તિપ્રદર્શનો કરી રહ્યાં છે. અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં બોમ્બર લડાકુ વિમાન મોકલ્યું હોવાનું કહ્યું હતું. તો ચીને દાવો કર્યો હતો કે અમેરિકાના યુદ્ધજહાજને ભગાડી મૂક્યું છે.અમેરિકન અને ચીની સૈન્ય વચ્ચે તણાવ વધતો જાય છે. કોરોનાના કારણે અમેરિકા-ચીન સતત એકબીજાના દાવાઓનું ખંડન કરે છે. એ જ સમયગાળામાં દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના પગપેસારાને રોકવા અમેરિકા સક્રિય થયું છે. એ કારણે હવે દક્ષિણ ચીની સમુદ્ર બંને દેશોના શક્તિપ્રદર્શનનું ક્ષેત્ર બન્યો છે.ચીની નૌકાદળે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે અમેરિકાનું યુદ્ધજહાજ ચીનની જળસીમામાં ઘૂસી આવ્યું હતું અને ચીની નૌકાદળે તેને ભગાડી દીધું હતું. ચીનના નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે ગાઈડેડ મિસાઈલ સજ્જ યુએસ યુદ્ધજહાજ પ્રવેશ્યું તે સાથે જ તેને ભગાડી દીધું હતું.અમેરિકન નૌકાદળે એ વાતનું ખંડન કર્યું હતું. પેન્ટાગોને કહ્યું હતું કે આવા કોઈ ઘર્ષણના સમાચાર નથી. ચીને કોઈ જ યુદ્ધજહાજને ભગાડયું નથી.અમેરિકાએ આ વિસ્તારના હિતોનું રક્ષણ કરવા બોમ્બ વર્ષક વિમાન મોકલ્યું હતું. આ વિમાન દક્ષિણ ચીની સમુદ્રમાં ફર્યું હતું. તાઈવાન નજીક આ વિમાને ચક્કર લગાવ્યા હતા. ચીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. ચીને કોરોનાની મહામારી વચ્ચે દક્ષિણ ચીની સમુદ્ર પચાવી પાડવાની નીતિ અપનાવી હતી. એ અંગે માઈક પોમ્પિઓએ નિવેદન આપ્યું તે પછી અમેરિકન નૌકાદળે પણ સતત મિત્રરાષ્ટ્રોના હિતોના રક્ષણના નામે યુદ્ધજહાજથી પહેરો ભરવાનું શરૂ કર્યું છે.