મુન્દ્રાના 20 સહિત 33 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

મુંબઇથી મુન્દ્રા આવેલા યુવકને કોરોના હોવાનું બહાર આવતાં ચોંકી ઉઠેલા આરોગ્ય વિભાગે મુન્દ્રામાંથી 20 લોકોના સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા હતા. તેના સહિત 33 નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો થયો હતો. જો કે, એક સેમ્પલ અમાન્ય ઠરતાં તેને ફરી મોકલવાની તજવીજ હાથ ધરાઇ હતી. દરમિયાન કોરોનાગ્રસ્ત યુવાનને ક્વોરન્ટાઇન કરાયો છે તે હોટેલની ડીડીઓ અને સીડીએમઓએ મુલાકાત લઇને જરૂરી સુચનો કર્યા હતા.મુન્દ્રાથી વેસલમાં ફરજ પર ચડતાં પહેલાં મુંબઇથી આવેલા 25 વર્ષીય યુવાનનો ખાનગી લેબોરેટરીમાં કરાયેલો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં જ આરોગ્ય વિભાગે સ્થાનિકે 20 લોકોના સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત ગાંધીધામના 4, ભુજની જનરલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં 7, ઓપીડીમાં 1 અને સ્ટાફના 2 મળીને કુલ્લ 34 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક અમાન્ય ઠર્યું હતું જ્યારે બાકીના 33 રિપોર્ટમાં કોઇને કોરોના ન હોવાનું જણાયું હતું. કોરોનાના કોઇ લક્ષણ ન હોવાથી મુંબઇના યુવાનને મુન્દ્રાની હોટેલ બીટલમાં ક્વોરન્ટાઇન કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વડાએ હોટેલની મુલાકાત લઇને સ્થાનિકે આરોગ્ય વિભાગને જરૂરી સુચનો કર્યા હતા. હોટેલમાં પોઝિટીવ યુવાન ઉપરાંત મુંબઇથી આવેલા અન્ય 4 ક્રૂ મેમ્બર, હોટેલમાં રોકાયેલા 11 જણ અને સ્ટાફના 45 સહિત 61 લોકોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા હતા.