રાજ્યમાં બીજા ક્રમનું ઉષ્ણ કંડલા (એ)માં 42.6 ડિગ્રી

મે માસના આરંભે જ કંડલા (એરપોર્ટ) મથક ખાતે તાપમાન 42.6 ડિગ્રી જેટલું ઉંચું જતાં રાજ્યમાં બીજા ક્રમના ગરમ બનેલા આ વિસ્તારમાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી, તો ભુજમાં મહત્તમ પારો દોઢ ડિગ્રી જેટલો નીચો જતાં આંશિક રાહત રહી હતી. દિવસભર પડેલા પ્રખર તાપના કારણે રણકાંધીએ આવેલા ગામોમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળ્યો હતો.ઉંચા ઉષ્ણતામાનનો પારો એક ડિગ્રી ઉંચકાવાની સાથે કંડલા (એ) હવામાન મથક હેઠળ આવતા ગાંધીધામ, આદિપુર, અંજાર અને ગળપાદર સહિતના વિસ્તારમાં અનુભવાયેલી આગ ઓકતી ગરમીથી લોકો શેકાયા હતા. સવારથીજ સૂર્ય નારાયણે અસલી તેવર દેખાડવાનું શરૂ કર્યું હતું અને બપોરે ફુંકાયેલા ગરમ પવને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 1.5 જેટલો નીચે જઇને 40.5 ડિગ્રી રહેતાં શહેરીજનોએ થોડી રાહત મહેસૂસ કરી હતી. જો કે, બપોરે લૂ ફુંકાતાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. કંડલા પોર્ટ પર વધુમા વધુ 39.9 અને નલિયામાં 36.2 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન આગામી એક-બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.