વૈશ્વિક મહામારી બનેલા કોરોનાને મ્હાત કરવા માટે વહીવટી તંત્રની સાથે આરોગ્ય અને પોલીસ વિભાગ યોધ્ધા બનીને ફરજ બજાવી રહ્યા છે. હવા અને સંક્રમિત વ્યક્તિના સંપર્કથી ફેલાતા આ રોગને અટકાવવા લોક ડાઉન સહિતના પગલા ભરાયા છે અને લોકોને ઘરમાં સુરક્ષિત રહેવાનું જણાવાઇ રહ્યું છે તેની વિપરીત અબડાસા તાલુકાના નુંધાતડ વિસ્તારમાં એક ફિમેલ હેલ્થ વર્કર તેમના છ માસના પુત્રને સાથે રાખીને કપરી ફરજ બજાવી રહ્યા છે. લોકોના સતત સંપર્કમાં આવતા આ મહિલા કહે છે, દેશ સેવા અને નૈતિક્તા તેમના માટે સૌથી અગ્ર છે.ચેપથી ફેલાતા કોરોનાને કારણે સાવચેતીની સાથે અમુક અંશે ભય પણ જોવા મળે છે તેવામા ફિલ્ડમાં ફરીને કામ કરતા કર્મચારીઓ અનેક પડકારોનો સામનો કરીને યોધ્ધાની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે. આવી જ રીતે મોથાળા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા નુંધાતડ સબ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે અરૂણાબેન એસ. ભરસર કપરી ફરજ બજાવી રહ્યા છે. છ માસના પુત્ર વીર અભિભનંદનને સાથે રાખીને કાળઝાળ ગરમીમાં નોકરી કરતાં આ મહિલાના શીરે લોકોને ક્વોરન્ટાઇન કરવાની તેમજ પ્રસૂતાઓના આરોગ્યની જવાબદારી છે. મૂળ વલસાડના આ મહિલા નુંધાતડ, કનકપર અને વાડ વિસ્તારમાં ઘરે ઘરે જઇને બહારના રાજ્યમાંથી આવતા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ અદા કરી રહ્યા છે. પતિ કનકપરમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બે પુત્રીના માતા એવા અરૂણાબેન સાથે પરોક્ષ રીતે યોધ્ધા તરીકે ફરી રહેલો વીર અભિનંદન માત્ર છ માસનો જ છે. કોરોના સામે સાવચેતી રૂપે મોઢા પર માસ્ક પહેરવું આવશ્યક છે પણ આટલા નાના બાળકને સતત માસ્ક પણ કેમ પહેરાવી બાંધી રખાય તેવી મુંઝવણ વ્યક્ત કરતા મહિલાએ કહ્યું હતું કે, દેશ સેવા સમજીને તેઓ નૈતિક ફરજ અદા કરી રહ્યા છે.