અંજારમાં મજૂર વર્ગને વતન મોકલવા અંગે બેઠક યોજાઇ, રાજયમંત્રી તેમજ કલેક્ટરની અધ્યક્ષતામાં મંથન કરાયું

કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 17મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જે સંદર્ભે પૂર્વે કચ્છના અંજાર ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર તેમજ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કેની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી હતી. જેમા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન જવાની મંજૂરી આપવા અંગે જે નિર્ણય લેવાયો છે, તેની ચર્ચા કરાઈ હતી. બેઠકમાં હાલ જે આંતર રાજ્ય અને આંતર જિલ્લામાં સ્થળાંતર કરવા ઈચ્છુક લોકોને કઈ રીતે મોકલવા તેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓને કઈ રીતે સંકલન કરવું તેની સમજ પણ અપાઈ હતી. દેશમાં ફરી લોકડાઉન લંબાતા કચ્છના વેપાર – ઉદ્યોગ જગત દ્વારા પણ હવે ધંધા – રોજગાર શરૂ કરવા દેવામાં આવે તેવી રજૂઆત આ બેઠકમાં કરાઈ હતી. આ બેઠકમાં ડીડીઓ પ્રભાવ જોષી, પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર પ્રાંત ડો. વિમલ જોશી, અધિક કલેક્ટર કુલદિપસિંહ ઝાલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમ કુમાર કન્નર, જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિ ઉપરાંત ફોકિયાના એમ.ડી. નિમિષ ફડકે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.