ભુજમાં રાજેન્દ્રબાગ ત્રણ રસ્તા પાસે ક્રૃષ્ણાજી પુલની દીવાલ જર્જરિત થઈ ગઈ છે, જેથી હંગામી પ્રોટેકશન વોલ બનાવાઈ હતી. જેના બ્લોક મંગળવારે ખરી પડ્યા હતા. શહેરમાં હમીરસર કાંઠે રાજાશાહી વખતનો ક્રૃષ્ણાજી પુલ છે. જે પુલની દીવાલો જર્જરિત થઈ ગઈ છે, જેથી સાતમ આઠમના મેળામાં અકસ્માત સર્જાવાની ‘દિવ્ય ભાસ્કરે’ ભીતિ વ્યક્ત કરી હતી. જેના પગલે હંગામી ધોરણે પ્રોટેકશન વોલ ચણવામાં આવી હતી. જોકે, કોરોનાને ફેલાતો અટકાવવા હાલ લોક ડાઉન છે, જેથી પોલીસે રસ્તો વન વે કરી નાખ્યો છે, જેમાં વાહનો સામસામે આવી જવાથી વળાંક લેતી વખતે એક વાહન દીવાલ સાથે ટકરાયાનું જાણવા મળ્યું છે. જો પ્રતિબંધિત સમય સિવાય પણ રસ્તો વન વે કરી રાખવામાં આવશે તો મોટા અકસ્માતનો ભય પણ લોકોએ વ્યક્ત કર્યો હતો રિપેર કરાવી દેશું : ઈજનેરભુજ પાલિકાના ઈજનેર અરવિંદસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આખી દીવાલ નવી બનાવવાની છે. લોક ડાઉનને કારણે કામ અટક્યું છે. મંજુરી મળતા જ કામ શરૂ કરી દેવાશે. એ દરમિયાન પ્રોટેક્શન વોલ રિપેર કરી દેવાશે.