કોરોના કહેર વચ્ચે મુન્દ્રામાં ફસાયેલા 23 ખલાસી મુક્ત થવાની રાહમાં, આ તે કેવું ? કોવિડ19ની પરીક્ષણ કીટ ન હોવાથી કોકડું ગૂંચવાયું

મુન્દ્રાના જુના બંદરે દુબઈથી ટાયર ભરીને આવેલા બે વહાણના 23 ખલાસીઓ આરોગ્ય ખાતા પાસે કોવીડ 19ની ટેસ્ટ કીટ ઉપલબ્ધ ન હોવાથી સ્વગૃહે પરત જવા વલખા મારતા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
1 એપ્રીલના બેટ દ્વારકાના 23 ખલાસીઓ કૃષ્ણસુદામા અને શિવશક્તિ નામના વેસલમા દુબઈથી ટાયર ભરીને જુના બંદરે આવી પહોંચ્યા હતા. દરમિયાન લોકડાઉન અમલમાં આવતાં તેમને 14 દિવસ માટે બંદર પરજ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધારાના 20 દિવસનો સમયગાળો વીતી ગયા છતાં દુરસ્ત એવા 23 ખલાસીઓને હજી સુધી પ્રશાશન દ્વારા મુક્ત કરવામાં ન આવી રહ્યા હોવાનો આંતર્નાદ ટંડેલ મજીદ અબ્દુલ સતાર કારાણીએ વ્યક્ત કર્યો હતો. આ અંગે સમગ્ર પ્રક્રિયા પર પ્રકાશ પાડતાં વેસલના ક્લિયરિંગ એજન્ટ રિયાઝ બુખારીના જણાવ્યા મુજબ વહાણવટી એસો દ્વારા જીલ્લા સમાહર્તાને પણ રજૂઆત કરાઈ છે .પરંતુ પાછળથી આવેલા જાહેરનામા મુજબ ખલાસીઓને મુક્ત કરવા પહેલા ફરી કોરોનાનું પરીક્ષણ આવશ્યક છે.પણ આરોગ્યખાતા પાસે ટેસ્ટીંગ કીટ ઉપલબ્ધ ન હોવાથી ખલાસીઓની મુક્તિ દુષ્કર બની છે.સરકાર માન્ય ખાનગી લેબ પરીક્ષણના 4500 રૂપિયા માંગે છેખલાસીઓ અને એજન્ટોએ દર્શાવેલા આક્રોશ મુજબ આરોગ્ય ખાતાએ ખાનગી પરીક્ષણ પર ભાર મૂકતાં સરકાર માન્ય અમદાવાદ સ્થિત બે લેબ દ્વારા પરીક્ષણનું 4500 રૂપિયાનું ક્વોટેશન આપ્યું છે. તે સિવાય મુન્દ્રા આવવાના વાહન ભાડા ઉપરાંત જાહેરનામા મુજબની સરકારી પરવાનગી લઇ આપવાની જવાબદારી એજન્ટની અથવા તમે અમદાવાદ આવોનું રોકડું પરખાવી દેતાં સમગ્ર પ્રક્રિયા ઘોંચમાં પડી છે.અંતિમ અહેવાલ મુજબ ડીવાયએસપી પંચાલ અને સ્થાનિક પીઆઇ પીકે પટેલે ખલાસીઓની વહારે આવી તેમની મુક્તિના પ્રયાસ હાથ ધર્યા હોવાનું એજન્ટ રિયાઝ બુખારીએ જણાવ્યું હતું .