ભુજ નખત્રાણા, તા. 9 : રાત્રિના અંધારાના ઓળા ઊતરતાં જ ભુજ તાલુકાના વાંઢાય-દેશલપરના દક્ષિણ વિસ્તારના જંગલમાં જાનવરોના શિકાર માટે શિકારીઓની બંદૂકોના ધડાકા સંભળાય છે. બેરોકટોકપણે શિકારની પ્રવૃત્તિ થતી હોવાની રાવ ઊઠી છે.વાંઢાયના શિવુભા સોઢાએ જણાવ્યું હતું કે, ખેતીમાં મજૂરી સાથે રાત્રે શિકારની પ્રવૃત્તિ કરતી આ ટોળકીમાં પુરુષો અને મહિલાઓ પણ સામેલ છે. ઉપરાંત દક્ષિણે ખેતરોની બાજુમાંથી તળાવ તથા શેઢા પરથી શિકાર માટે જાળ-ફાંસલા પણ મળી આવતાં આ ફાંસલામાં શિવુભાની ભેંસ તળાવમાં પાણી પીવા જતાં તેનો પગ ફસાઇ ગયો હતો. ભેંસને ઘેર લઇ આવતાં અને પશુ ચિકિત્સક ડો. ખામર પાસે તેની સારવાર કરાવી હતી અને આ અંગે સામત્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તા. 15/4 અને ત્યારબાદ 25/4ના બીજી ફરિયાદ તેમણે કરી હતી. આ શિકારી ટોળકી સૂવર, સસલા, નીલગાય, તેતરના શિકાર માટે દિવસના જાળ-ફાંસલા ગોઠવે છે. આ ટોળકી દ્વારા સૂવરને ગોળી મારતાં તેની પાછળના ભાગે લાગતાં લોહીલુહાણ હાલતમાં સૂવર ત્યાંથી ભાગી ગયું હતું તેવું કહેતાં આ બાબતે પણ ફરિયાદ સત્તાવાળાઓ સમક્ષ કરી છે. ત્યારે પોલીસ, વનતંત્ર દ્વારા આ બાબતે તપાસ કરી આ શિકાર પ્રવૃત્તિ અટકે, નાના-મોટા જંગલી પ્રાણીઓનું હનન અટકે, હિંસક પ્રવૃત્તિ અટકે તેવી માંગ છે.