ભુજ, કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ આગામી સમયમાં કચ્છીજનોને પાણીની સમસ્યાનો કોઈ પણ રીતે સામનો ન કરવો પડે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી પાસે આધોઈ ચોકડી તેમજ ભચાઉ પાસે આવેલા હેડ વર્કસની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉનાળાના સમયમાં કચ્છ જિલ્લાને કોઈ પણ રીતે પાણીની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી સુચનો કરી આગામી સમયમાં પાણીની ઘટ ઉભી ન થાય અને ઉનાળાના સમયમાં કચ્છના વિશાળ ભૂભાગને ધ્યાને લઈ માંગ પ્રમાણે પાણી પૂરું પાડવાની તાકીદ કરી હતી. ટપ્પર ડેમનીમુલાકાત વેળાએ મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને ટપ્પરથી અંજાર પાણીની પાઈપ લાઈનના ચાલી રહેલા કામને સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તો ટપ્પર ગામમાં પીવાનું પાણી પુરૂં પાડતી વર્ષો જૂની લાઈનને નવી નાખવા માટે દરખાસ્ત તૈયાર કરવા પણ અધિકારીઓને સુચના આપી હતી. શિણાય ડેમમાં પાણી ભરવા માટે 19 કરોડ રૂપિયાના ખર્ચે વધુ કેટલાંક કામો સૂચવવામાં આવ્યા હતા તેને તાત્કાલિક મંજૂરી આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી.’ ટપ્પર ડેમની મુલાકાત બાદ મંત્રીએ વર્ષામેડી સ્થિત પાણી પુરવઠાના સમ્પ સ્ટેશનની મુલાકાત લઈ અહીં થતી કામગીરીને નિહાળી હતી. વર્ષામેડી બાદ સાપેડા, કુકમા અને લાખોંદ સ્થિત સમ્પ સ્ટેશનની મુલાકાત લઈ પાણી વિતરણની કામગીરીથી વાકેફ થયા હતા. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ પાણી પુરવઠા મંત્રીશ્રી બાવળિયાની કામગીરીને બિરદાવી હતી અને કચ્છીજનોની અપેક્ષાઓ સરકાર હરહંમેશ પૂર્ણ કરે જ છે, ત્યારે આ વખતે પણ આગામી ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા ન થાય તે માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે બપોર બાદ ભુજ તાલુકાના ડાકડાઈ, નખત્રાણા તાલુકાના મંજલ, કલ્યાણપર, રસલીયા સ્થિત હેડવર્કસની મુલાકાત લીધી હતી. મંત્રીની મુલાકાત વેળાએ રાજ્યમંત્રીશ્રી આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મનરેગાના ડાયરેક્ટર મનજીભાઈ આહિર, અંજાર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બાબુભાઈ આહિર, અગ્રણી દિલીપભાઈ નરસીંગાણી, મહેશભાઈ સોની, મુખ્ય ઈજનેર અશોક વનરા, નખત્રાણા-દયાપર મામલતદારશ્રી સોલંકી, કાર્યપાલક ઈજનેર એસ.આર. ઉદેનીયા, એમ.જી. બડોલે તેમજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે દરેકે કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. ગાંધીધામની રજૂઆત દરમ્યાન પાણી પુરવઠા મંત્રી શ્રી બાવળિયા સમક્ષ રજૂઆત કરતાં જિલ્લા ભાજપ મંત્રી જે.પી. મહેશ્વરીએ જણાવ્યું હતું કે,’ ઉનાળામાં ગરમી તડકામાં ગાંધીધામ કોમ્પ્લેક્ષને’ પાણીની ચિંતા ખૂબ સતાવે છે. ગાંધીધામને ત્રણ દિવસે અને આદિપુરને ચોથા દિવસે પાણી અપાય છે. ટપ્પર ડેમ પછી બીજો શિણાય ડેમ છે જેની પહોળાઇ 10 કિ.મી. અને ઉંડાઇ 30 મીટર છે જે અત્યારે ખાલી પડયો છે. આ ડેમ અગાઉ રાજાશાહી વખતે આજુબાજુના ગામડાંને ખેતી માટે પૂરતો હતો. સમયાંતરે ખેતી ઓછી થતી ગઇ અને નવા શહેરોનો ઉદ્ભવ થયો જે મુજબ ગાંધીધામ, આદિપુર 1950માં વસ્યું, ત્યારે કંડલાને પાણીની જરૂર પડતાં શિણાય ડેમ સિંચાઇ ખાતા પાસેથી કેપીટી પાસે આવ્યો. આજે એ ડેમની માલિકી પાણી પુરવઠા બોર્ડની છે. કંડલા સાથે ગાંધીધામ અને આદિપુર બંને શહેર ખૂબ વધ્યા અને હજી આવનારા દિવસોમાં ખૂબ વિકાસ થવાનો છે. અત્યારે કંડલા કોમ્પ્લેક્ષને દરરોજ 50 એમએલડી પાણીની ખપત છે, ત્યારે જેમ ટપ્પર ડેમ ભર્યો એવી રીતે શિણાય ડેમ જો ભરી દેવાય તો આદિપુર અને આજુબાજુના’ ગામડાંને એ ડેમમાંથી પાણી આપી શકાય એવું છે. આ બાબતે રાજય મંત્રી વાસણભાઇ અને અમારા ધારાસભ્ય માલતીબેનએ રજૂઆત કરી છે એમ પણ જણાવ્યું હતું. જોડિયા શહેરને’ કાયમી પાણીની’ પીડામાંથી મુકત કરવા આ એકમાત્ર ઉપાય છે.”