કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ આગામી સમયમાં કચ્છીજનોને પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે કચ્છ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જઇને નિરીક્ષણ કર્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સામખીયારી પાસે આધોઇ ચોકડી તેમજ ભચાઉ પાસે આવેલા પાણી પુરવઠા વિભાગના હેડવર્કસની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતા. કચ્છની બે દિવસની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા વિભાગના મંત્રીએ કચ્છી ઉનાળાના સમયમાં કચ્છ જિલ્લાને કોઇપણ રીતે પાણીની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી સુચનો કરી આગામી સમયમાં પાણીની ઘટ ઉભી ન થાય અને ઉનાળાના સમયમાં કચ્છના વિશાળ ભૂભાગને ધ્યાને લઇ માંગ પ્રમાણે પાણી પૂરુ પાડવાની તાકીદ કરી હતી. ટપ્પર ડેમની મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને ટપ્પરથી અંજાર પાણીની પાઇપ લાઇનના ચાલી રહેલ કામને સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તો ટપ્પર ગામમાં પીવાનું પાણી પુરુ પાડતી વર્ષો જૂની લાઇનને નવી નાખવા માટે દરખાસ્ત તૈયાર કરવા પણ અધિકારીઓને સુચના આપી હતી. શિણાય ડેમમાં પાણી ભરવા માટે ૧૯ કરોડ રૂપિયાના ખર્ચે વધુ કેટલાંક કામો સુચવવામાં આવ્યા હતા તેને તાત્કાલીક મંજૂરી આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી. ટપ્પર ડેમની મુલાકાત બાદ મંત્રીશ્રીએ વર્ષામેડી સ્થિત પાણી પુરવઠાના સમ્પ સ્ટેશનની મુલાકાત લઇ અહીં થતી કામગીરીને નિહાળી હતી. વર્ષામેડી બાદ સાપેડા, કુકમા અને લાખોંદ સ્થિત સમ્પ સ્ટેશનની મુલાકાત લઇ પાણી વિતરણની કામગીરીથી વાકેફ થયા હતા. મંત્રીશ્રીની મુલકાત વેળાએ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની કામગીરીને બિરદાવી હતી અને કચ્છીજનોની અપેક્ષાઓ સરકાર હરહંમેશ પૂર્ણ કરે જ છે ત્યારે આ વખતે પણ આગામી ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા ન થાય તે માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે બપોર બાદ ભુજ તાલુકાના ડાકડાઇ, નખત્રાણા તાલુકાના મંજલ, કલ્યાણપર, રસલીયા સ્થિત હેડવર્કસની મુલાકાત લીધી હતી. પાણી પુરવઠા મંત્રીશ્રીની કચ્છની મુલાકાત વેળાએ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર સાંસદ્શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અબડાસાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, મનરેગાના ડાયરેક્ટરશ્રી મનજીભાઇ આહિર, અંજાર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બાબુભાઇ આહિર, અગ્રણી દિલીપભાઇ નરસીંગાણી, મહેશભાઇ સોની, મંજલ સરપંચ રાજુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેર અશોક વનરા, નખત્રાણા-દયાપર મામલતદારશ્રી સોલંકી, કાર્યપાલક ઈજનેર સર્વશ્રી એસ.આર.ઉદેનીયા, એમ.જી બડોલે તેમજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. આ સમયે દરેકે કોરોના ગાઈડલાઇનનું પાલન કર્યુ હતુ.