હિન્દુ સંસ્કૃતિમાં મંદિર હિન્દુ માત્રની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. ભક્તજન પોતાના સુખ-દુઃખ હર્ષ-શોક સર્વ ભાવોને પ્રગટ પ્રભુ પાસે વ્યક્ત કરી અલૌકિક શાંતિનો અનુભવ કરે છે.આ પૃથ્વી પર અક્ષરધામ તુલ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ – કચ્છ અનેક હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. શ્રી નરનારાયણ દેવને સમર્પિત અનેક ભક્તજનોના સહયોગથી મંદિર દ્વારા ધાર્મિક, સામાજિક એવમ સાંસ્કૃતિક કાર્યક્રમો નિરંતર થતાં હોય છે.વર્તમાન સમયમાં વિશ્વ આખું જ્યારે કોરોના નામક મહામારીથી ત્રસ્ત છે ત્યારે ધન્યભાગ્ય કે, કચ્છ ભૂમિ આ મહામારીથી મહત્તમ સુરક્ષિત છે. સ્વાભાવિક છે કે, સંકટના સમયમાં જીવમાત્રને પોતાનો પરિવાર પોતાનું વતન સહજ સાંભરી આવે. રોજી-રોટી માટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર આદી પ્રાંતમાંથી હેતાળી ધરા કચ્છમાં આવેલા શ્રમિકો શરીરથી કચ્છમાં છે પરંતુ એમનું મન તેમના વતનમાં જવા માટે તલપાપડ થઈ રહ્યું છે. સરકારશ્રીના આયોજનથી રેલવે માર્ગ દ્વારા તેમને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે તે માટે પ્રશાસનને ધન્યવાદ આપવા ઘટે.
વિશેષમાં આ શ્રમિકોની રેલયાત્રા લાંબી છે માટે માર્ગમાં ભોજનની વ્યવસ્થા હોવી અતિ આવશ્યક છે. આ ચિંતાને હૃદયમાં ધારી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી અને કોઠારી પાર્ષદવર્ય સદગુરુ જાદવજી ભગતે આ શ્રમિકો માટે ભોજન વ્યવસ્થા કરવાનો સંકલ્પ કર્યો.પૂજ્ય સંતોના સંકલ્પને સાકાર કરવા માટે મંદિરના કોઠારી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી કોઠારી શાસ્ત્રી શુકદેવસ્વરૂપદાસજી સ્વામી, દિવ્યસ્વરૂપદાસજી તથા કોઠારી પાર્ષદ ખીમજી ભગત અને કોઠારી રામજીભાઈ દેવજી વેકરીયા ઉપકોઠારી મૂળજીભાઈ કરસન શિયાણી ટ્રસ્ટી જાદવજીભાઈ ગોરસીયા અને ટ્રસ્ટી શશીકાંતભાઈ ઠક્કર એ બીડું ઝડપ્યું. આ શ્રમિકો માટે ભુજ મંદિર ૭૫૦૦ જેટલા ફુટ પેકેટ તૈયાર કરી રહ્યું છે. “દીન દુઃખીયાના આંસુ લુતા અંતર કદી ન ધરા જો, મારું જીવન અંજલિ થાજો” આ પંક્તિને સાર્થક કરી રહ્યું છે આપણું ભુજ મંદિર.