કચ્છ જિલ્લાની બે દિવસની મુલાકાત આવેલા રાજયનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ બીજા દિવસે કચ્છીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વિવિધ સ્થળોએ આવેલા પમ્પીંગ સ્ટેશનો, હેડ વકર્સની સ્થળ પર મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું. અબડાસા તાલુકાના મોથાળા ગામ પાસે આવેલ હેકવકર્સની મુલાકાત લઇ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને જરૂરી સૂચના કર્યા હતા.આ હેડવકર્સ કંકાવટી જુથ યોજના હેઠળ આવેલું છે. કંકાવટી જુથ યોજના હેઠળ પર ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારની જનતાને પીવાના પાણીની કયારેય ખોટ વર્તાશે નહીં એમ જણાવતાં પાણી પુરવઠા વિભાગનાં મંત્રીશ્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો કરી આગામી સમયમાં પાણીની જરૂરિયાત મુજબ પુરવઠો સુનિશ્ચિત કરવા તાકિદ કરી હતી. મોથાળા હેડવકર્સની મુલાકાત બાદ મંત્રીશ્રીએ મંગવાણા અને નખત્રાણા તાલુકાનાં વડવા હેડવકર્સની મુલાકાત લીધી હતી. આ તકે ઉપસ્થિત અધિકારીઓને ધુણઇથી કોજા ચોરા ફાટક સુધીની યોજનાને સમયબધ્ધ રીતે પુરી કરવા સૂચના આપી હતી.ત્યારબાદ મંત્રીશ્રીએ માંડવી તાલુકાના બિદડા હેડવકર્સની મુલાકાત લઇ જરૂરી વિગતો મેળવી હતી. માંડવી શહેરને પાણીનો પુરતો જથ્થો મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી ત્યારબાદ મંત્રીશ્રીએ મુન્દ્રા તાલુકાના વાઘુરા હેડવકર્સની મુલાકાત લીધી લઇ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.પાણી પુરવઠા મંત્રીશ્રીની કચ્છની મુલાકાત વેળાએ ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન સેંધાણી, અબડાસા તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી મહેસોજી સોઢા, માંડવી નગરપાલિકાનાં પ્રમુખશ્રી મેહુલભાઇ શાહ, મોથાળા સરપંચશ્રી શિવજીભાઇ મહેશ્વરી, બિદડા સરપંચશ્રી સુરેશભાઇ સંઘાર, અગ્રણીશ્રી રાજુભા જાડેજા, અબડાસા પ્રાંત અધિકારીશ્રી ઝાલા, પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેરશ્રી અશોક વનરા, કાર્યપાલક ઈજનેર એમ.જી.બડોલે, માંડવી તાલુકા મામલતદારશ્રી આર.બી.ડાંગી, માંડવી તાલુકા વિકાસ અધિકારશ્રી વિ.બી.ગોહિલ તેમજ પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ મુલાકાત દરમ્યાન દરેકે માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગનો પાલન કર્યુ હતું.