વાગડ વિસ્તારના આ ગામે ઉત્તરોત્તર વકરી રહેલી દારૂ અને જુગારની બદી બાબતે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચોબારી આહીર સમાજ સમિતિએ માગણી કરી છે, તો પંચાયતે પણ આ મામલે કડક તાકીદ કરી છે. ચોબારી આહીર સમાજ સમિતિ દ્વારા બે દિવસ પહેલાં ગુરુવારે આહીર સમાજવાડી ખાતે સામાજિક અંતર જળવાય તે રીતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં ગામમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ વકરી રહી હોવાની ચર્ચા કરી તે બાબતે ચિંતા વ્યકત કરાઇ હતી. ગ્રામજનોની સમિતિ બનાવી આવી પ્રવૃત્તિઓ ઉપર કાયમી લગામ આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગણી કરાઇ હતી. સખત કાર્યવાહી હાથ ધરાશે તો ગ્રામજનો તેમાં સહકાર આપશે તેવી તૈયારી પણ બતાવાઇ હતી તેવું સમિતિ વતી પાંચા પરબત આહીરે જણાવ્યું હતું. બીજીબાજુ ચોબારી ગ્રામ પંચાયત દ્વારા આહીર સમાજની બેઠક બાદ આ મામલે જાહેરનામું બહાર પાડીને કડક તાકીદ કરવામાં આવી હતી. ગ્રામજનોએ સમિતિ બનાવી હોવાનું કહેતાં પંચાયત વતી સરપંચ વેલજીભાઇ જગાભાઇ ઢીલાએ જણાવ્યું હતું કે, જવાબદારો સામે સખત કાર્યવાહી માટે પોલીસને જાણ કરવામાં આવશે, તો જરૂર પડયે ગ્રામજનોની સમિતિ દ્વારા જનતા રેઈડ પણ કરવામાં આવશે.