મોટા ભાડિયા વિસ્તારમાં ઘાયલ ઘુવડને સારવાર માટે મોકલાયું

તા. માંડવી, તાલુકાના મોટા ભાડિયા ગામના વાડી વિસ્તારમાં તાજેતરમાં રક્ષિત અને નિશાચર ઘુવડ પક્ષી દિવસે નજરે ચડતાં તેને પ્રાગપર ખાતે આવેલા એન્કરવાલા અહિંસાધામ ખાતે મૂકવામાં આવ્યું હતું. આ ગામના ખેડૂત વીરાભાઈ વિઘાણીની વાડીએ અચાનક સવારમાં આવી પડેલા આ નિશાચર પક્ષીને જોતાં કુતૂહલ સર્જાતાં પક્ષીની નજીક જઈ તપાસ કરતાં આ ઘુવડ ઘાયલ અવસ્થામાં હોવાનું માલુમ પડયું હતું. તેની પ્રાથમિક તબક્કાની સેવા-શુશ્રૂષા પક્ષીપ્રેમીઓ દ્વારા કરાઈ હતી. કોઈ કૂતરાએ આ ઘુવડની પાંખો સહિત એક-બે જગ્યાએ તેને મારેલા જખમથી ઊડવાની ક્ષમતા ખોઈ દીધી હોવાનું ખેડૂત અગ્રણી અને માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું. દરમ્યાન તેને એન્કરવાલા અહિંસાધામ ખાતે સુપરત કરાયું હતું.’