લોકડાઉનના સમયમાં આખા રમઝાન મહિનામાં મસ્જિદો બંધ રાખવામાં આવી છે અલબત્ત પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે એટલે કે 22મી મે ના અલવિદા જુમ્મા અને આગામી ઈદ-ઊલ-ફિત્રના 24 અથવા 25 મેના તહેવાર નિમિત્તે મસ્જિદોમાં નમાઝ અદા કરવાની પરવાનગી આપવી જોઈએ, તહેવાર નિમિત્તે મસ્જિદો બંદગી માટે ખોલવી જોઈએ, રાજ્યના મુખ્યમંત્રીને આ માગણી કરતો પત્ર ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ અને અમદાવાદની જામા મસ્જિદના મુફ્તીએ 14મી મેના રોજ લખ્યો છે.રાજ્ય સરકાર સમક્ષ પત્ર દ્વારા માગણી કરાઈ છે કે, રમઝાન મહિનામાં લોકડાઉન સફળ બનાવવા માટે મસ્જિદોમાંથી એલાન કરાયું હતું કે, લોકો પોતાના ઘરમાં રહીને જ નમાઝ-ઈબાદત કરે અને લોકડાઉનનું પાલન કરે, જેના કારણે લોકો આજે ઘરોમાં રહીને જ ઈબાદત કરી રહ્યા છે.જોકે ગુજરાત સરકારથી હવે અમારી અપીલ છે કે, રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે અને ઈદ-ઊલ-ફિત્ર એટલે કે ઈદના દિવસે સવારે તહેવાર માટે મસ્જિદો ખાલવામાં આવે અને ઈદની ખાસ નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવે. લોકડાઉનમાં અત્યારે દુકાનો, કારખાનાં ખોલવામાં આવી રહ્યા છે, ટ્રેનોમાં પણ યાત્રીઓની અવરજવર થઈ રહી છે ત્યારે મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે 10 મિનિટથી વધુ સમય લાગતો નથી, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનું ય પાલન કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે મસ્જિદોમાં રાતે તરાવીહની ખાસ નમાઝની પણ અદાયગી થઈ રહી નથી