કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના રણકાંધીને અડીને આવેલા વરણુ તથા સુખપર ગ્રામ પંચાયત દ્વારા ગામો નજીક રણ વિસ્તારમાં ચાલતાં તમામ ગેરકાયદે મીઠાના અગરો બંધ કરાવવા અને કરાતી શિકાર પ્રવૃત્તિ અટકાવવા તેમજ મીઠાના અગરોવાળી જમીનને ઘુડખર અભયારણ્ય જાહેર કરવા ઉપરાંત માથાભારે લોકો પાસે ગેરકાદેસર હથિયારો જપ્ત કરવા માંગ કરાઈ છે.આ અંગે વરણુ ગ્રામ પંચાયત તથા સુખપર ગ્રામ પંચાયતના સરપંચોએ જિલ્લા સમાહર્તાને પાઠવેલા પત્રમાં એવી માંગ કરી છે કે આ બંને પંચાયતોની મહેસૂલી તાબાની જમીન તથા તેની નજીક આવેલા કચ્છના નાના રણની ખારાપાટની હજારો એકર જમીન પર ભૂમાફિયાઓ દબાણો કરી ત્યાં મીઠાના અગરો બનાવી ગેરકાયદેસર મીઠું પકવી રહ્યા છે. સેંકડો એકર જમીનો બાદમાં મોટા મીઠા ઉત્પાદનોને મોટી રકમ લઈ વેચી દેવામાં આવે છે. આ તત્ત્વો દ્વારા તેમને દબાણ કરેલા વિસ્તારમાં કોઈને પણ જવા દેવામાં આવતા નથી, અને આ માટે ત્યાં જવાના મુખ્ય માર્ગો પણ બંદૂકધારી ચોકિયાતો પણ રખાયા છે. આ ભૂમાફિયાઓ દ્વારા તેમના ખાણીપીણીના શોખને પૂરા કરવા માટે વન્ય જીવોનો શિકાર પણ કરવામાં આવે છે અને તેના કારણે હાલમાં આ વિસ્તારમાં આવા તમામ પશુ-પક્ષીઓ લુપ્ત બન્યા છે’ અને તાજેતરમાં વર્ણેશ્વર દાદાના મંદિરના પાછળના ભાગે એક નીલગાયનો બંદૂકના ભડાકે શિકાર કરવામાં આવ્યો હતો. સરપંચોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આવેલા તમામ દબણોને દૂર કરવામાં આવે અને આ તમામ વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ કરવામાં આવે. જેથી ભૂમાફિયાઓની લાલિયાવાળી બંધ થાય અને રણ બહાર મીઠી જમીનમાં કરવામાં આવતા મીઠાના ઢગલાઓવાળું મીઠું મીઠી જમીનને ખારી બનાવી રહ્યું છે તે રણને આગળ વધતું અટકાવવા માટે પણ મીઠા ઉત્પાદનની પ્રવૃત્તિ બંધ કરાવવી જરૂરી છે. શિકારની પ્રવૃત્તિ બંધ કરાવવા અને પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને ગેરકાયદે હથિયારો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. જો આ મુદ્દે સત્વરે યોગ્ય કરવામાં નહીં આાવે તો ગાંધીચીંધ્યા માર્ગે જવાની સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે.