માંડવીમાં કવોરન્ટીન કેન્દ્ર સામે વિરોધનો વંટોળ, બીજી જગ્યાએ લઇ જવાની ફરજ

માંડવીની પાટીદાર હોસ્ટેલને સંસ્થાકીય કવોરેન્ટીન માટે નક્કી કરાતા બહારના પ્રવાસીઓને એડમિટ કરવાના મુદ્દે આજુબાજુના લોકોએ રાત્રિના સમયે સખત વિરોધ કરતાં અંતે બીજી જગ્યાએ કવોરેન્ટીન સેન્ટરમાં લઇ જવાની ફરજ પડી હતી. બ્રહ્મપુરી તેમજ અન્ય ગીચ વિસ્તારની વચ્ચે જાહેર રસ્તા પર આવેલી પાટીદાર હોસ્પિટલને સંસ્થાકીય સેન્ટરની જાહેરાત કરી હતી. જેના પગલે બહારથી આવતા પ્રવાસીના સ્થાનિક સેન્ટરમાં કવોરેન્ટીન નહીં કરવાની જીદ કરવામાં આવતા 200 જેટલા લોકો એકઠા થઇ જવા પામ્યા હતા. મામલો વધુ બિચકતા નગરપાલિકાના ઉપાધ્યક્ષ ગીતાબેન પંકજ ગોરે આરોગ્ય અને મામલતદાર વિભાગને જાણ કરી બહુ ગીચતા ધરાવતા વિસ્તારમાં કવોરેન્ટીન સેન્ટર નહીં રાખવાની વાત કરતા રાત્રીના ભાગ્યે જ અન્ય સેન્ટર પર પ્રવાસીઓને લઈ જવાની ફરજ પડી હતી અને સ્થાનિક લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો.
અન્ય સેન્ટરમાંથી પ્રવાસીઓ સરકી ગયાશનિવારે લખુ ધોળુ હોસ્ટેલમાં બહારથી આવેલા પ્રવાસીઓ અને સંસ્થાકીય કવોરેન્ટીન કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ પોતાના ગામમાં, વાડી, બોડીંગમાં કવોરેન્ટીન થઈશું તેવી માંગ કરતા તંત્રના નિયમોની પરવા કર્યા વગર લોકો પોતાના ગામમાં જ રાત્રિના પહોંચી ગયા હતા.