અબડાસાના મુખ્ય મથક નલિયામાં કોરોનાના બે કેસ બહાર આવ્યા પછી આરોગ્ય અને વહીવટી તંત્ર સાબદું બન્યું છે. નલિયા સજ્જડ બંધ રહેતાં કર્ફ્યુ જેવીસ્થિતિનો માહોલ ખડો થયો છે. પોલીસતંત્ર દ્વારા ગામડાથી નલિયામાં પ્રવેશવાના વીસેક માર્ગો બંધ કરી દેવાયા છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાય તેવું જાણવા મળે છે. આજે પી.એસ.આઈ. એન. જે. સરવૈયા અને તેમના સ્ટાફ દ્વારા જે.સી.બી.ની મદદથી છાડુરા તરફનો માર્ગ, જખૌ, મોકરશીવાંઢ ગર્લ્સ હાઈસ્કૂલ પાસેનો માર્ગ, મોડેલ સ્કૂલ પાસે, પ્રજાઉ પાસેનો રોડ, જશાપર રોડ, પુનરાઈ ઈદગાહ પાસેનો, સુડધ્રો પાસેનો રોડ વગેરે નાના મોટા નલિયામાં પ્રવેશવાના વીસેક માર્ગો બંધ કરી દેવાયા છે. એક માત્ર ઘોડા સર્કલવાળો માર્ગ આવશ્યક ચીજવસ્તુઓનાં પરિવહન માટે ખુલ્લો રખાયો છે. જે એરિયામાં કોરોનાના કેસે દેખા દીધો છે તે વચનગર બાવાજીનાં મંદિર પાસેનો માર્ગ સદંતર બંધ કરી દેવાયો છે. માર્ગો બંધ કરવામાં જે.સી.બી. અને અન્ય સ્ટાફનો ગ્રામ પંચાયતને સહયોગ મળ્યો હતો. શ્રમિકો રામજી આમદ કોલી, રમજુ ભચુ કોલી, શામજી રમજુ કોલી, ભરત આરબ કોલી, ભરત રામજી કોલી અને પોલીસ સ્ટાફ જોરાવરસિંહ જાડેજા, પરબત ચૌધરી, અનુપસિંહ વાઘેલા, રમેશ પટેલે કામગીરી કરી હતી.”