મેઘપર (બો.)ના ક્વોરેન્ટાઇન સેન્ટર અંગે ફરિયાદ કરતા વીડિયો બદલ ગુનો દર્જ

 અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલાં લીલાશાહ કુટિયા ઇન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં એક યુવાને આ સેન્ટરમાં સાફસફાઇ ન થતી હોવાનું અને એસ.પી. આવીને ધાકધમકી કરે છે તેવી ફરિયાદ કરતો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં આ યુવાન વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મેઘપર બોરીચીની કૃષ્ણા કુટિર સોસાયટીમાં રહેનારા દિવ્યાંગ ગૌરાંગ કંસાર નામના યુવાનને હાલમાં લીલાશાહ કુટિયા ખાતે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ યુવાને ગઇકાલે પોતાના મોબાઇલથી આ સેન્ટરનો વીડિયો ઉતાર્યો હતો અને અહીંના રૂમમાં સાફસફાઇ થતી નથી તથા પોલીસ આવીને ગાળો બોલે છે જ્યારે એસ.પી. આવીને ધાકધમકી આપે છે તેવું બોલી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.આ વીડિયો અંગે અંજાર પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં ધસી ગઇ હતી અને વીડિયો વાયરલ કરનારા દિવ્યાંગની પૂછપરછ?હાથ?ધરવામાં આવી હતી. આ વીડિયો તેણે જ વાયરલ કર્યો હોવાનું પોલીસને આ યુવાને કહ્યું હતું. પોલીસે આ યુવાનને એસ.પી. કોણ છે ? તમે ક્યારેય તેમને મળ્યા છો ? ક્યારેય જોયા છે ? એસ.પી. મહિલા છે કે પુરુષ તેવા પ્રશ્નોના આ યુવાન સાચા જવાબ આપી શક્યો નહોતો.કોરોના મહામારીના આ સંવેદનશીલ માહોલમાં ખોટો વીડિયો બનાવી લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરવાના ઇરાદે ખોટી અફવા ફેલાવનારા આ યુવાન વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ?ધરી હતી.