ભુજ,આજે શહેરની નવી ઉમેદનગર કોલોનીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને વૃદ્ધાને માર મારી પહેરેલા સોનાના દાગીનાની બેધડક લૂંટ મચાવી હોવાની ઘટના બનતાં ચકચાર મચી છે. ઘટનાસ્થળેથી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનારા 74 વર્ષીય દમયંતીબેન કરસનભાઈ સોલંકી, તેમનો પુત્ર બપોરે 3.30 વાગ્યે દરજીકામ અર્થે દુકાને ગયો ત્યારબાદ અંદાજે 4થી 6 વાગ્યા દરમ્યાન લૂંટારુઓ ઘરમાં ઘૂસી દમયંતીબેનને પાછળથી પકડી ગળે ટૂંપો અને ધકબુસટનો માર મારી બાથરૂમમાં લઈ જઈ મોઢામાં કપડાં ધોવાની ગળી નાખી ટુવાલ વડે મોઢું બંધ કરી પહેરેલા દાગીનામાં સોનાની ત્રણેક તોલાની બંગડી, બે તોલાની ચેઈન, કાનમાં પહેરવાની બૂટી લૂંટી હતી. એક કાનની બૂટી બળપૂર્વક લૂંટતા વૃદ્ધાનું કાન ચીરી નાખ્યું હતું. લૂંટ ચલાવીને આ વૃદ્ધાને બાથરૂમમાં જ પૂરી લૂંટારુ નાસી છૂટયા હતા. આ લૂંટારુઓ એક કે તેથી વધુ હતા તે જાણી શકાયું નથી. સાંજે 6 વાગ્યા આસપાસ વૃદ્ધાને કળ વળતાં રાડો પાડી હતી, જેથી નીચે રમતા છોકરાઓનું ધ્યાન જતાં પડોશીઓને બોલાવી ઘરમાં જતાં બંધ બાથરૂમમાં લોહી નિંગળતી હાલતમાં દમયંતીબેન દેખાતાં તેના પુત્રને જાણ કરી હતી અને ઘાયલ વૃદ્ધાને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં જ તુરંત શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પૂછપરછ આદરી હતી. દરમ્યાન કોલોની વિસ્તારના ઘરમાં રહેલા સીસી ટીવી ફૂટેજની પણ ચકાસણી થઈ હતી. આ ઘટના રાત્રિના 10.30 વાગ્યા સુધી ભુજના પોલીસ ચોપડે ચડી ન હોવાથી વધુ વિગતો મળી શકી નથી ‘