ગાંધીધામ, તા. 20 : કચ્છમાં આવતી પીવાનાં પાણીની લાઇનોમાં અનેક જગ્યાએ કાણા પાડી પાણીની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો અગાઉ ઊઠી છે તેવામાં ભચાઉ-વરસામેડી વચ્ચે આવેલી મુખ્ય લાઇન ઉપર અધિકારીઓ દ્વારા તપાસ કરાતાં પાણીની ચોરી બહાર આવી હતી. આ બનાવમાં હોટેલના સંચાલકો સહિત સાત લોકો વિરુદ્ધ રૂા. 6,17,004ની પાણીની ચોરીની પોલીસ ફરિયાદ થઇ હતી.ભચાઉથી વરસામેડી બાજુ આવતી પાણીની લાઇન થકી સમગ્ર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ મુખ્ય લાઇન ઉપર ગત તા. 16/5ના પાણી પુરવઠાના ઉપરી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ લાઇનમાં ગેરકાયદેસરના જોડાણ હોવાનું અને એરવાલ્વ તોડી નખાતાં લાખો લિટર પાણી વેડફાઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું.આ લાઇનમાં આવેલા એરવાલ્વ નંબર 21 તથા 22 વચ્ચે આવેલા બટર ફલાય વાલ્વમાંથી બજરંગ આઇમાતા હોટેલના સંચાલક, સંધુ હોટેલના સંચાલક, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના સંચાલક-માલિક, સંધુ હોટેલની બાજુમાં આવેલા સર્વિસ સ્ટેશનના માલિક તથા સતલુજ હોટેલના સંચાલક દ્વારા ગેરકાયદેસર જોડાણ લઇ પાણીની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા છ મહિના એટલે કે 180 દિવસથી આ જગ્યાએ પાણી ચોરીનું કૌભાંડ અહીં ચાલતું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પાંચેય શખ્સ વિરુદ્ધ રૂા. 4,21,020ના પાણી ચોરીની ફરિયાદ થઇ હતી.તેમજ પાઇપલાઇનના એન.સી. 10 (એ)ના એરવાલ્વ નં. 28માંથી એરવાલ્વની બાજુમાં આવેલી તથા નવી બનતી હોટેલના સંચાલક સરદારજી ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે ગેરકાયદેસર જોડાણ માટે એરવાલ્વ તોડી નાખતાં 10,00,000 લિટર પાણી વેડફાઇ ગયું હતું. અધિકારીઓની ઓચિંતી તપાસ બાદ સ્થાનિક કર્મચારીઓએ અહીં નવા વાલ્વ બેસાડયા હતા. હોટેલના આ સંચાલકે રૂા. 46,780ના પાણીની ચોરી કરી હતી તથા સરકારી સાધન સામગ્રીમાં નુકસાન પહોંચાડયું હતું. તેના વિરુદ્ધ રૂા. 1,11,780ની ફરિયાદ થઇ હતી.વધુ એક પાણીચોરીનો બનાવ એન.સી. 10ના એરવાલ્વ નંબર 16 પાસે બહાર આવ્યો હતો. અહીં ઇંટનો ભઠ્ઠો ચલાવનારા ઇમરાન નામના ઇસમે ગેરકાયદેસર પાણીનું જોડાણ લીધું હતું. આ ઇસમે છ મહિનામાં રૂા. 82,204ના પાણીની ચોરી કરી હતી. આ સાતેય શખ્સ વિરુદ્ધ ઇન્ડિયન પિનલકોડની કલમ 378, 430 તથા પબ્લિક પ્રોપર્ટી એકટની કલમ 3 મુજબ ગુના નોંધવામાં આવ્યા હતા. આ બનાવમાં પાણી પુરવઠાના રાજેશકુમાર રવજી વામનીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા છ મહિનાથી આ લાઇનમાંથી પાણીની ચોરી થતી હોવા છતાં સ્થાનિક પાણી પુરવઠાના અધિકારીઓ ઊંઘમાં હતા કે પછી પ્રસાદી મેળવીને બધું ચલાવાતું હતું તેવી ચર્ચા લોકોમાં જાગી હતી.