ભુજ, તા. 20 : મુંદરા તાલુકાના છસરા ગામે ઓકટોબર-2018 દરમ્યાન બનેલા છ-છ વ્યકિતને મોતના મુખમાં ધકેલનારા ધિંગાણાના કેસમાં જેના ઉપર આયર પરિવારના ચાર સભ્યોની હત્યાનો આરોપ છે તેવા મુખ્ય તહોમતદાર આરબ આદમ અબ્દુલ્લા બોલીયા દ્વારા કરવામાં આવેલી વચગાળાના જામીનની અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. પત્ની શકીનાબાઇની નાદુરસ્ત તબિયત તેમજ માનસિક બીમારી જેવા કારણો સાથે આરોપી આરબ બોલીયા માટે વચગાળાના જામીન મંગાયા હતા. આ અંગેની સુનાવણી અત્રેના ત્રીજા અધિક સેશન્સ જજ સમક્ષ થઇ હતી. તેમણે બન્ને પક્ષની દલીલો સાંભળી કેસની ગંભીરતા અને પુરાવાઓ તથા કાગળોને કેન્દ્રમાં રાખીને વચગાળાની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.’ જેના વચગાળાના જામીન નામંજૂર કરાયા છે તે આરબ બોલીયાની નિયમિત જામીન અરજી આ અગાઉ બે વખત નામંજૂર થઇ ચૂકી છે. તો રાજયની વડી અદાલતમાં પણ હાલે તેની જામીન અરજી પડતર છે. આ વચ્ચે આ વચગાળાના જામીન મંગાયા હતા. જે નામંજૂર કરવામાં આવ્યા છે. આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી.ગોસ્વામી તથા કેસના ફરિયાદી વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી.વોરા, એ.એન.મહેતા, હિમ્મતાસિંહ કે. ગઢવી હાજર રહ્યા હતા.”