નખત્રાણા, તા. 20 : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-4ની નવી જાહેરાતથી તેની સીધી અસર વેપારીઓ પર પડી છે. બે મહિના સુધી લોકડાઉન રહ્યા બાદ વેપારીઓને આશા બંધાણી કે હવે વેપાર ધંધા શરૂ કરી શકીશું પરંતુ નવી જાહેરાત-નિયમોથી વેપારી આલમમાં ભય, આઘાતની લાગણી જોવા મળી રહી છે અને જો ફેરફાર નહીં થાય તો વેપાર અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. આ અંગે નખત્રાણા વેપારી અગ્રણી હેમેન્દ્રભાઈ કંસારાએ કહ્યું હતું કે, લોકડાઉન-4માં વેપાર-ધંધાનો સમય વધવો જોઈતો હતો. તેના બદલે સવારના 8થી 4 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.એટલું જ નહીં જે નિયમ મેટ્રોપોલિન સિટીમાં લાગુ પાડવામાં આવે છે તે ઓડ-ઈવનનો નિયમ ગ્રામ્ય વિસ્તારમાં નાખવામાં આવ્યો છે. જેના’ કારણે નાના સેન્ટર હોઈ આ’ ‘એકી બેકી જેવી રમત કરી દુકાનો ખોલવાની વહીવટી તંત્રના આદેશથી વેપાર-ધંધાને મોટી અસર થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે નખત્રાણા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બાબુલાલ ધનાણી, નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ હીરાલાલભાઈ સોની, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડની આગેવાનીમાં વેપારી પ્રતિનિધિઓ, પ્રાંત અધિકારી વિભાગીય નિયામક પોલીસ, પોલીસ ઈન્સ્પેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું અને આ નિયમ ગ્રામ પંચાયત હદમાં લાગુ પડતો નથી તેની મુદ્દાસર’ ‘રજૂઆત કરી હતી. તેના પ્રત્યુત્તરમાં અધિકારીઓએ’ ‘ અમને અન્ય કોઈ સૂચના નહીં મળે ત્યાં લગી આનો અમલ કરવો પડશે. નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનોને નંબર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આ નિયમમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે તો નખત્રાણાના તમામ વેપારીઓ અચોક્કસ મુદત સુધી વેપાર-ધંધા બંધ કરી નાખવાની ફરજ પડશે તેમજ આની રજૂઆત સાંસદ વિનોદભાઈ ચાવડાને’ કરવામાં આવી છે.’