દુકાનો ખોલવાના તઘલખી નિર્ણયથી વેપારીઓ નારાજ કોંગ્રેસ દ્વારા સમય માટે ફેરફાર કરવા માગ

 

લોકડાઉનના ચોથા તબક્કામાં વેપાર ધંધાનો સમય 4 વાગ્યા સુધી સીમિત કરીને રાજ્ય સરકારે લીધેલા તઘલખી નિર્ણયથી વેપારી આલમ હતાશામાં ધકેલાઇ છે. લોક ડાઉન-3માં દુકાનો, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને જીવન જરૂરી બાબતોના સ્થળનો સમય સવારે 7થી સાંજના 7 સુધીનો કરાયો હતો. નવી જાહેરાતમાં દુકાનો સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ખોલવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો માટે આ સમય પ્રતિકૂળ છે જેને પગલે ઘરાકી ન નીકળતાં વેપારીઓ હતાશામાં ધકેલાઇ રહ્યા છે તેમ જણાવતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ નિર્ણય લોકલક્ષી નહિ પણ તઘલખી હોવાનો આક્ષેપ કર્યો હતો.

છેલ્લા બે માસથી ધંધો બંધ રાખીને બેઠેલા વેપારી વર્ગના હિતમાં સમય બાબતે ફેર વિચારણા કરીને વધુ છૂટછાટ આપવામા આવે તેવી માગ તેમણે કરી હતી.  પ્રદેશના પૂર્વ મંત્રી ભરત ઠક્કરે પણ મુખ્યમંત્રીને કરેલી અલાયદી રજૂઆતમાં જણાવાયું હતું કે, બપોરે 1થી 4 વાગ્યા સુધી અસહ્ય ગરમી પડતી હોવાથી બજારો આમ પણ સૂમસામ બની જાય છે પરિણામે સવારે 8થી 12 એમ ચાર કલાક માટે જ વેપાર થઇ શકે તેવા સંજોગો પેદા થયા છે. સમસ્યાના નિવારણ રૂપે સાંજના સમયમાં વધારે છૂટ છાટ આપવામા આવે તેવી માગ તેમણે કરી હતી.