અબડાસાના ત્રણ ગામમાં દૂધ-શાકભાજી જેવી વસ્તુઓનું વેચાણ કરાયું શરૂ?

અબડાસા ના ગામો માં પાંચ કોરોના વાયરસના કેસ બહાર આવતાં નલિયા, કોઠારા, ખીરસરા (કોઠારા) આ ત્રણેય ગામો તંત્ર દ્વારા સીલ કરવામાં આવતાં આ ગામોમાં દૂધ, શાકભાજી અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ સદ્તંર બંધ થઈ ગયું હતું પણ આજે ત્રીજા દિવસે નાયબ કલેક્ટર દેવેન્દ્રસિંહ ઝાલાએ કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારી આગેવાનોની બેઠક બોલાવી ઉપસ્થિતોએ કરેલી રજૂઆતો બાદ નોન-કન્ટેન્ટમેન્ટ એરિયામાં સવારે 8:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી તમામ ધંધા રોજગાર શરૂ કરી શકાશે તેમ જણાવ્યું હતું.’ અગ્રણી છત્રસિંહ જાડેજાએ દૂધ, કરિયાણું, ઘઉં દળવાની ઘંટી અને દવાની દુકાનો બેઠક દરમ્યાન જ ચાલુ કરી દેવા રજૂઆતના અંતે આવા ધંધા ખોલી નાખવાની સૂચના અપાઈ હતી તો જાગૃત નાગરિક એડવોકેટ લાલજીભાઈ કટુઆએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી હતી. આ બેઠકમાં તા.પં. ઉપપ્રમુખ હકૂમતસિંહ જાડેજા, જી. પં. સદસ્ય તકીશાબાવા સૈયદ, વેપારી મંડળના પ્રમુખ હકૂમતસિંહ એચ. જાડેજા, તા.પં. વિપક્ષી નેતા અબ્દુલભાઈ ગજણ, લહેરીભાઈ ભાનુશાલી, મજીદભાઈ મેમણ, સલીમ મેમણ, ગ્રા.પં. સદસ્ય મનજી મહેશ્વરી, પ્રફુલ્લ હોથી, કોઠારા સરપંચ હેમુભા જાડેજા, તલાટી જગદીશસિંહ જાડેજા, લિયાકતઅલી આગરિયા ઉપરાંત મામલતદાર શ્રી ડામોર, સી.પી.આઈ. શ્રી મહેતા, પી.એસ.આઈ. શ્રી સરવૈયા, ઈ.ચા. ટી.ડી.ઓ. શ્રી પંડયા વગેરે હાજર રહ્યા હતા. દરમ્યાન બુધવારે બજારો બંધ હોવાનાં કારણે’ નલિયાના લોકો કફોડી સ્થિતિમાં મુકાયા હોવાનો આ અખબારમાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયા પછી નિદ્રાધીન તંત્ર સફાળું જાગી બેઠક બોલાવ્યા બાદ નિર્ણય લીધો હતો.