મહુવામાં કપડાં ધોવાની સામાન્ય બાબતે દિયરે ભાભી નું કર્યું ખૂન

માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીંકી દેતા થયેલી ઈજા જીવલેણ નિવડી 

મહુવાના કોટડા ખારા વિસ્તારમાં શુક્રવારે બપોરના સુમારે કપડા ધોવા જેવી સામાન્ય બાબતે સંયુકત પરિવારમાં ઝઘડો થતા દિયરે સગા ભાભીના માથામાં લોખંડનો પાઇપ ઝીંકી દેતા  ગંભીર ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત તેણીનું સારવાર દરમિયાન ભાવનગર સર ટી.હોસ્પીટલમાં મોત નીપજયું હતુ.

બનાવની મળતી વિગતો મુજબ મહુવાના ખારા વીસ્તાર કોટડા ખાતે રહેતા યુનુસભાઇ ભાસ કે જેઓ સંયુકત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં શુક્રવારે બપોરના સુમારે કપડા ધોવા જેવી સામાન્ય બાબતે પરિવારમા ઝઘડો થતા જેમાં ઉશ્કેરાટમાં આવી જઇ   દિયર ઈલિયાસે પોતાના સગા ભાભી અફસાનાબેન (ઉ.વ.૨૮)ને માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીંકી દેતા લોહીલુહાણ હાલતે નીચે પછડાઈ પડયા હતા. ઈજાગ્રસ્ત તેણીને સારવાર્થે પ્રથમ મહુવા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પીટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યું નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. 

બનાવની જાણ થતા મહુવા પોલીસ ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. જયા પી.એમ. સહીતની કાર્યવાહી હાથ ધરાવી બનાવ અંગે મૃતકના પરિવારોના નિવેદનો લેવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મહુવા પોલીસ સ્ટેશનમાં મોડેથી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ હતી.