અંતરજાળની જુગારના મુદ્દે તુણાના યુવાન ઉપર સશત્ર વડે હુમલો કરાયો

તાલુકાના અંતરજાળમાં પકડાયેલા જુગારની બાતમી મુદ્દે અંજારના તુણા ગામના એક યુવાન અને તેના પિતા ઉપર છ લોકોએ હુમલો કર્યો હતો. તુણા ગામમાં રહેનાર દક્ષ વિનોદ ઠક્કર નામનો યુવાન ગઇકાલે અંતરજાળમાં જુગારના દરોડામાં પકડાયો હતો. તેની સાથે અન્ય પાંચ શખ્સ પણ ઝડપાયા હતા. બપોરના આ બનાવ બાદ ગઇકાલે રાત્રે તે પોતના મિત્ર સુમિત આહીરની વાડીએ હતો ત્યારે અલ્તાફ?જુણસ જુણેજાએ તેને ફોન કરીને પોલીસને બાતમી કેમ આપી તેવું પૂછ્યું હતું. આ ઇસમે ફરિયાદી યુવાનને મારી નાખવાની ધમકી આપતાં યુવાને ફોન કાપી નાખ્યો હતો. આ ફરિયાદી દક્ષ ઠક્કર પોતાના ઘરે પહોંચી રહ્યો હતો ત્યારે અબ્બાસ જાકુબ બાપડા, રજાક જાકુબ બાપડા, ગફુર હુશેન બાપડા, અલ્તાફ જુસબ જુણેજા’ અને ભા તરીકે ઓળખાતો ઇસમ તથા રજાકનો બનેવી ત્યાં ઊભા હતા. આ ઇસમોએ યુવાન ઉપર છરી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો. રાડારાડનાં પગલે યુવાનના પિતા વિનોદ ઠક્કર બહાર આવતાં આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. કંડલા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ?ધરી છે.’