માંડવીની દુકાનમાં અખાદ્ય સામગ્રી મળતા લાયસન્સ રદ !

માંડવી. માંડવી શહેરના  કે. ટી. શા. રોડ સ્થિત આવેલા એક પ્રોવિઝન સ્ટોર  (જનરલ સ્ટોર) દુકાનમાં અખાદ્ય સામગ્રીનો વેચાણ કરી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની બાતમીના આધારે  મામલદાર અને નગરપાલિકાની સયુંકત ટીમ દ્વારા દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરી માલ અને લાયસન્સ જપ્ત કરવામાં આવતા વેપારી આલમમાં  ફડફડાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તાજેતરમાં જ એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યો હતો. જેના અનુસંધાને માંડવીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અખાદ્ય વસ્તુ વેચાણ ન થાય તેની તકેદારીની ઝુંબેશના ભાગરૂપે પૂનમચંદ ચત્રભુજ શાહની દુકાનની ચકાસણી કરવામાં આવતા બિસ્કીટનો એક્સપાયરડેટ વીતી ગયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
શોપ ચલાવતા દિગંતભાઈ શાહ સામે ખોરાક અને ઔષધ નિયમન કાયદાના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ  મ્યુ પ્લેટ નંબર 3537/2ની દુકાનનો લાયસન્સ જપ્ત કરવામાં આવતા વેપારી આલમમાં ફડફડાટ મચી જવા પામ્યો હતો. નાયબ મામલતદાર વિજયગઢવી, નગરપાલિકાના ઓએસ કાનજીભાઈ શિરોખા, સેનીટેશનહેડ મુકેશભાઈ ગોહિલ, શોપ ઇન્સપેકટર રમેશ ઝાલા સહિતની સયુંક્ત ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી. તંત્રને ફરિયાદ મળી હોવાથી રવિવારે જ દુકાન ખોલાવી આ કામગીરી કરવામાં આવી હતી