માનકૂવાના વાડી વિસ્તારની વાડીમાં ગઈકાલે ત્રણ વર્ષની તેજસ્વી તુલસી નાયકા નામની માસૂમ બાળકી પાણીની કુંડીમાં અકસ્માતે પડી ગયા બાદ ડૂબવાથી તેનું મોત થયું હતું. જ્યારે અબડાસા તાલુકાના ચિયાસર ગામે કોઈ અગમ્ય કારણોસર 2પ વર્ષીય મહેશ કેસા કોળીએ ઝાડમાં લટકી આત્મહત્યા કરી લીધી હતી. માનકૂવા વાડી વિસ્તારમાં રાજેશભાઈ કરસનભાઈ કેરાઈની વાડીમાં ગઈકાલે સાંજે છોટા ઉદેપુર જિલ્લાના ફુલિયારી ગામના તુલસી નાયકા દાડમ નીંદવાનું કામ કરતા હતા ત્યારે બાજુમાં આવેલી પાણીની કુંડીમાં તેની ત્રણ વર્ષીય માસૂમ બાળકી તેજસ્વી પડી ગઈ હતી. આ બાળકીને સારવાર માટે પ્રથમ સુખપર જી.એમ.ડી.સી. અને ત્યારબાદ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લવાતાં ત્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. માનકૂવા પોલીસે તપાસ આદરી છે.