૯૯,૯૯,૯૯,૯૯૯ નવકારમંત્ર જાપમાં વિશ્વભરનાં જૈન-જૈનેતરો જાડાયા

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી સંકટમાં વિશ્વભરનાં જીવોની રક્ષા માટે જૈનધર્મના પુણ્ય પ્રભાવક એવા શ્રી નવકાર મહામંત્રના ૯૯,૯૯,૯૯,૯૯૯ સામૂહિક જાપનું આયોજન નવકાર પરિવારનાં ઉપક્રમે જૈનોનાં તમામ ફિરકાઓએ સાથે મળીને કર્યું હતું. જેમાં જૈનોનાં આચાર્ય ભગવંતો, શ્રમણ-શ્રમણીવૃંદ સાથે શ્રાવક-શ્રાવિકાઓ, જૈન-જૈનેતરો જાડાયા હતા. સવારે ૮-૪૧ મિનિટે શરૂ થયેલા આ નવકાર મંત્ર જાપ બપોરે ૧૨-૪૧ મિનિટે પૂરા થયા હતા. સમગ્ર વિશ્વ કોરોના સંકટમાંથી મુક્ત બને તેવી પ્રાર્થના સાથે નવાણું કરોડ, નવાણું લાખ, નવાણું હજાર નવસો નવાણું નવકાર મંત્ર જાપમાં સૌ જાડાયા હતા. નવકાર મહામંત્રના સ્મરણથી જગતનાં સર્વે જીવોને શાતા મળે, એવા ભાવ સાથે યોજાયેલા આ જાપમાં સમગ્ર વિશ્વ સાથે કચ્છ પણ જાડાયું હતું.પૂ. મુનિભગવંતો, પૂ. સાધ્વીશ્રી ભગવંતો, મહાસતીજીઓએ પ્રેરક પ્રેરણા આપી હતી. કોરોના મહામારીને નાથવા આ આયોજન ધર્મેશ નિસર, નવકાર પરિવાર, સમગ્ર જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.કચ્છનાં ૭૨ જિનાલય મહાતિર્થે તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા મુનિભગવંતો, સાધ્વીશ્રી ભગવંતોએ જાપ કર્યા હતા. જૈનોનાં ગુરૂભગવંતો જ્યાં જ્યાં બિરાજમાન છે તેવા ઉપશ્રાય, સ્થાનકોમાં તથા કચ્છમાં દરેક શહેરો-ગામો જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં સમુહજાપ યોજાયા હતા. સરકારશ્રીની ગાઇડલાઇન અને નિયમોનું પાલન કરી દરેક ભાઇ-બહેનોએ પોત-પોતાના ઘરમાં બેસીને સમૂહજાપ કર્યા હોવાનું શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.