સિદ્ધપુર-ગાંગલાસણ રસ્તા પર આવેલ એક મિલના કમ્પાઉન્ડમાં જુગાર રમતા હોવાની માહિતી પોલીસને મળતા તીનપત્તી હારજીતનો જુગાર રમતા 11 નબીરાઓને કુલ રૂ.84400 સાથે ઝડપી લીધા હતા. તેમજ પ્રાંત અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો પણ ભંગ કરવા બદલ કલમ 188 મુજબ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.જિલ્લામાં કોરોનાનો કેસ સૌપ્રથમ સિદ્ધપુરમાં નોંધાયો હતો જેને કારણે તંત્ર દ્વારા તાલુકાને સીલ કરતાં કોરોનાનું સંક્રમણ અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમ છતાં જાહેરનામાંનો ભંગ કરી સિદ્ધપુર-ગાંગલાસણ રસ્તા પર સધી માતાના મંદિર નજીક આવેલ દિનેશ ઓઇલ મિલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં કેટલાક તત્વો તીનપત્તી હારજીતનો જુગાર રમતા હોવાની માહિતી મળતા સિદ્ધપુર પોલીસ દ્વારા રેઇડ પાડવામાં આવી હતી જેમાં રેઇડ દરમિયાન 11 નબીરાઓને રોકડ રકમ રૂ.84400 સાથે ઝડપી પાડ્યા હતા તેમજ 11 નબીરાઓ દ્વારા ટોળું ભેગું કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવેલ ન હોઈ લોકોના સ્વાસ્થ્યમાં ચેપી રોગ ફેલાય તેવી બેદરકારી રાખી કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અને સિદ્ધપુર પ્રાંત અધિકારીના જાહેરનામાનો ભંગ કરતા તમામ 11 નબીરાઓ વિરુદ્ધ કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે જેને લઈ સિદ્ધપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોરોનામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ 11 વિરુદ્ધ કલમ 188 મુજબ પણ ગુનો નોંધાયો