કચ્છમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યોઃ આજથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી


કેરળ કાંઠા નજીક સર્જાયેલ હવાનું હળવું દબાણ ડિપ્રેશન અને ત્યારબાદ સાયકલોનિક સ્પોર્મમાં ફેરવાઈને મહારાષ્ટ્ર તરફ મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રીત થયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકારાય. કચ્છ પર હાલ પુરતો ખતરો ટળી જતાં કોરોનાની મહામારી વચ્ચે તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવાયા છે. ડીપીટી (કંડલા) બંદરે 1 નંબરનું સિગ્નલ લાગેલું રહ્યું હતું. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ 15 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનની ગતિમાં ઘટાડો થયો છે. જિલ્લા મથક ભુજમાં ગઈકાલની તુલનાએ બે ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉપર ચડીને 40.8 ડિગ્રીના આંકે પહોંચી ગયો હતો. આકરી ગરમી અને બફારો અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 78 ટકા અને સાંજે 41 ટકા જેટલું નોંધાયું હતું.
હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો હાલની સ્થિતીએ ટળ્યો છે. 3 અને 4 તારીખે જિલ્લામાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાવચેતીના ભાગરૂપે ડીપીટી (કંડલા) બંદરે 1 નંબરનું સિગ્નલ લાગેલું રહ્યું હતું.