ઉનાવા માર્કેટયાર્ડ ખૂલતા વેંત જ તમાકુની અધધ બોરીઓ ઠલવાઈ, ખેડૂતો ખુશ ખુશાલ

કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા અનેક લોકોના ધંધા રોજગાર પર અસર પડી છે. ત્યારે એની સીધી અસર ખેડૂતો પર પડી હતી. પણ ઉનાવા માર્કેટયાર્ડ શરૂ થતાં હાલ તમાકુના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતમાં તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને જેની સીઝન એપ્રિલ મહિનાથી શરૂ થતી હોય છે. પરંતુ લોકડાઉનના કારણે માર્કેટયાર્ડ બંધ રહેતા તમાકુનું વાવેતર કરતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તમાકુનો પાક એ ખેતરમાં જ રાખવો પડે છે. કેમ કે જો તેને ઘરમાં લાવવામાં આવે તો અજીબ પ્રકારની દુર્ગંધ ઘરમાં આવતી હોવાથી તેને ઘરમાં રાખી શકાતો નથી. તો બીજી બાજુ વરસાદની આગાહી પણ હોવાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે ઉનાવા માર્કેટયાર્ડ ફરી એકવાર તમાકુની હરાજી શરૂ થતાં ખેડૂતોને ગયા વર્ષ કરતા સારા ભાવ મળી રહેતા ખેડૂતો સહિત વેપારીઓ પણ ખુશ દેખાઈ રહ્યા છે.
અત્યાર સુધી 12 લાખ બોરી તમાકુ માર્કેટયાર્ડમાં ઠલવાઇ ગઈ છે. સારી માંગના કારણે ખેડૂતોને સારો ભાવ પણ મળી રહ્યો છે. સરકાર દ્વારા યોગ્ય સમયે માર્કેટયાર્ડ શરૂ કરવાની પરવાનગી આપતા આજે માર્કેટયાર્ડ ફરી વાર ધમધમયા છે. જેને લઈ ખેડૂતોને પણ પૂરતા ભાવ મળતા ખેડૂતો પણ હાલ ખુશ દેખાઈ રહ્યા છે.