મોડાસાના લીંભોઈ ગામ નજીક અકસ્માતમાં એક યુવકનુ મોત થયું


મોડાસાના લીંભોઇ નજીક એમ્બ્યુલન્સ ટ્રેક્ટર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બિમાર યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ૫ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. મોડાસા શહેરના એફ.યુ.મલેક હાઈસ્કૂલ નજીક રહેતા મોં.ઇમરાન ભાઈ અસ્લમભાઇ સદા નામના યુવકને અચાનક બ્લડ પ્રેશર વધી જતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા યુવકની પત્ની અને પરિવારજનો યુવકને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી તબીબે યુવકને સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતાં પરિવારજનો સાર્વજનિક હોસ્પિટલમાં લઈ પહોંચતા તબીબે યુવકને કોવીડ-૧૯ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.યુવકને પ્રાથમિક સારવાર આપી યુવકને ઓક્સીજન ઓછો પડતો હોવાથી એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર કોવીડ-૧૯ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. હિંમતનગર જતા લીંભોઇ નજીક એમ્બ્યુલન્સ ટ્રેક્ટર પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સનો ફુરચો વળી જતાં ઇમરાન સદાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જયારે તેની પત્ની સહીત ૫ લોકોને ઈજાઓ પહોંચતા દવાખાને ખસેડાયા હતા. યુવકની પત્ની અને પરિવારજનો સારવાર માટે ત્રણ-ત્રણ હોસ્પિટલમાં ભટક્યા હતા હોસ્પિટલના સ્ટાફે અને તબીબોએ કોરોનાના ડરના પગલે યુવકને સારવાર આપવાનો ઇન્કાર કરતા યુવકનું અકસ્માતમાં યુવકનું મોત નિપજતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. યુવકને સારવાર ન મળતા અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો રોષ ઠાલવ્યો હતો.