સુઈગામના જેલાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાતાં ચકચાર

સુઈગામ તાલુકાના જેલાણા ગ્રામ પંચાયતના સરપંચને સોમવારે સસ્પેન્ડ કરાતાં ચકચાર મચી હતી. શૌચાલયની જૂની તપાસમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના જેલાણા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે. ડીડીઓ અજય દહિયાએ વર્ષો જૂની તપાસમાં સરપંચની જવાબદારી નક્કી કરી હતી. જેમાં સરપંચ આબાભાઇ ચૌધરીએ 28 શૌચાલયોમાં બેદરકારી દાખવી હોવાનું ખુલ્યું છે.સરેરાશ 10 શૌચાલયમાં બે વાર સહાય ચૂકવાઇ હતી. જ્યારે 18 શૌચાલયમાં કામગીરી અધૂરી હોવાનું તપાસમાં આવ્યું હતું. આથી સરપંચ અને તલાટીને કારણદર્શક નોટીસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ, સ્થાનિક સ્તરે રજૂઆત આધારે શૌચાલય કૌભાંડ થયાની બૂમ મચી હતી. આથી તપાસ શરૂ થતાં સ્થળ ઉપર અનેક ગેરરીતિ સામે આવી હતી. જેમાં તત્કાલીન કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે તલાટી અને સરપંચ સામે તપાસ યથાવત રહી હતી. જેમાં સરેરાશ 15 મહિનાને અંતે સરપંચને સસ્પેન્ડ કર્યા છે. આથી આસપાસ ગામોમાં ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે.