ગોંડલના વાસાવડ નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા સુરતના યુવકનું મોત: 3 ઘાયલ

રાજકોટ: લોકડાઉનમા છૂટછાટ મળ્યા બાદ સુરતનો પટેલ પરિવાર કાર લઈ તેમના મુળ ગામ બાબરા પાસેના ધરાઈ આવતો હતો ત્યારે ગોંડલના વાસાવડ પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા ઘવાયેલા યુવાનનુ મોત નીપજયુ હતુ. જયારે તેમા યુવાનની પત્ની અને બે સંતાનોને નાની-મોટી ઈજા થઈ હતી. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરતના પાર્વતીનગર-1માં કંતારેશ્ર્વર મહાદેવ મંદિર પાસે કતારગામે રહેતા કિશોરભાઈ મનસુખભાઈ પોકળ પટેલ (ઉં.40) નામના યુવાને ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેમના સુરત રહેતા નાના ભાઈ બિપીનભાઈ મનસુખભાઈ પોકળ (ઉં.37) લોકડાઉનમાં છૂટછાટ મળતા તેમના પત્ની સોનલબેન, પુત્ર અને પુત્રી સાથે જી.જે.-06 એએચ 9036 નંબરની કાર લઈ તેમના મુળ વતન બાબરા પાસેના ધરાઈ ગામે આવતા હતા ત્યારે ગોંડલના વાસાવડ પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બિપીનભાઈને માથામાં ઈજા થઈ હતી અને પત્ની સોનલબેન અને તેમના સંતાનોને નાની-મોટી ઈજા થતા હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં બિપીનભાઈનુ સારવારમાં મોત નીપજયુ હતુ. આ મામલે કિશોરભાઈ પોકળે જણાવ્યુ હતુ કે નાના ભાઈ બિપીનભાઈ સુરતથી આવ્યા ત્યારે ધરાઈ ગામે તેમને કવોરન્ટાઈન કરાયા હતા. તેઓ એમ્બ્રોઈડરીની મજુરીકામ કરતા હતા. તેમના મોતથી પરિવારમા અરેરાટી મચી ગઈ છે.