જસદણ પંથકમાં ભારે પવન સાથે 1 ઇંચ, રાજકોટ અને ગોંડલમાં ધોધમાર, ગઢડામાં બે કલાકમાં સવા ઇંચ, રસ્તાઓ પર પાણી પાણી

રાજકોટ: રાજકોટના જસદણ પંથકમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 7.45 વાગે ભારે પવન ફૂંકાયો હતો બાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જસદણનાં કમળાપુર, લીલાપુર, કાળાસર, જસદણ, આટકોટ સહિતનાં ગામડામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. વાવણી કર્યા પછી સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જસદણ પંથકમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ ગોંડલ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગઢડામાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
ગોંડલ અને પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી જ વાદળછાંયા વાતાવરણ સાથે ભારે પવન ફુંકાયો હતો. ગોંડલ, મોવિયા, શ્રીનાથગઢ, દેરડીકુંભાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ શાપર-વેરાવળમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી જગતનો તાત ખુશખુશાલ બન્યો છે.
બે દિવસના વિરામ બાદ ફરી સમગ્ર બોટાદ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળામાં વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગઢડામાં બે કલાકમાં સવા ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારના 6થી 8 વાગ્યા સુધીમાંબોટાદમાં 14MM, રાણપુર 12MM અને ગઢડામાં 32MM વરસાદ નોંધાયો હતો.