ગુજરાતમાં ચોમાસુ સુરતથી આગળ વધ્યું : જેથી દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું

ગુજરાત: ચોમાસુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ખેડા, આણંદ અને પંચમહાલ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સુધી પહોંચ્યું છે. જેથી હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે તો 18-19 જૂને આ બન્ને ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કેરલથી શરૂ થઈને ચોમાસું મુંબઈ પહોંચ્યું હતું અને ત્યારબાદ ગુજરાતમાં વિધિવત રીતે પહોંચ્યું છે. હાલ ગુજરાતમાં ચોમાસુ સુરતથી આગળ વધ્યું છે. જેથી દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે.અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી શુક્રવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડશે. આગામી શનિવાર-રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. ગઇકાલે અમદાવાદમાં ભેજનું પ્રમાણ 81% અને દિવસનું તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું. અસહ્ય બફારા બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જે બાદ વિધિવત રીતે ચોમાસુ પણ બેસી ગયું છે.

હવામાન વિભાગે પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. નૈઋત્યના ચોમાસાએ દીવ અને ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક હિસ્સામાં પ્રવેશ કર્યો છે. નોર્ધન લિમીટ ઓફ મોન્સૂન (એનએલએમ) હવે કંડલા, અમદાવાદ, ઇન્દોરથી પસાર થઇ રહ્યું છે.

મંગળવારે ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ-ગીર સોમનાથ, બુધવારે વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર, સોમનાથ, દીવ, ગુરૂવારે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ, શુક્રવારે ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જ્યારે શનિવારે ભરૂચ, સુરત, અમરેલી, ગીર, સોમનાથ, દીવમાં ભારે વરસાદપડી શકે છે.’