દારૂના નશામાં ધૂત પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

ડીસા તાલુકાના માણેકપુરા ગામે દારૂના નશામાં ધૂત બનેલ પતિએ ધારીયાના ઘા મારી પત્નીની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોટમ માટે લવાઇ હતી. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ તીક્ષણ હથિયારો વડે હત્યા કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ક્યાંક લોકો દારૂના નશામાં હત્યા કરી રહ્યા છે તો ક્યાંક લોકો પૈસાની ન જેવી લેવડ દેવડમાં હત્યા કરી રહ્યા છે સતત વધી રહેલા હત્યાના બનાવોથી હાલ બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો છે. ડીસા તાલુકાના માણેકપુરા ગામના માલજી લખુજી ઠાકોર ના લગ્ન ડીસાના નેસડા ગામના ગજરાબેન ઠાકોર સાથે થયા હતા. ત્યારે બુધવારે રાત્રીના સાતેક વાગ્યાના સુમારે માલજી લાખુજી ઠાકોરે કોઇ અગમ્ય કારણોસર ધારીયા વડે ગજરાબેન માલજી ઠાકોરના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઉતારી હતી. જો કે, ગુરૂવારે આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં ડીસા ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા, ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવી હતી. આ અંગે મૃતક ગજરાબેન ઠાકોરના ભાઇ સોમાજી છગનજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે માલજી લખુજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ પીઆઇ એમ.જે.ચૌધરી ચલાવી રહ્યા છે. ડીસા તાલુકાના માણેકપુરા ગામે 25 વર્ષ અગાઉ ગજરાબેનના લગ્ન જીવન દરમ્યાન ત્રણ સંતાનો પણ છે જેઓના સંતાન મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે થોડા દિવસથી મજૂરી માટે ગયેલા પુત્ર ઘરે ન હોવાનો લાભ લઈ પતિએ પત્નીની કરપીણ હત્યા કરી હતી. જ્યારે આ બાબતની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ આ બાબતની જાણ તેમના ભાઈને કરી હતી જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી જોતા તેમની બહેનની લાશ લોહીલુહાણ હાલતમાં પડેલી જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ તપાસ કરતા જાણવા મળેલ કે તેમના બનેવી દ્વારા જ તેમની બહેનની હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી. જેથી તેમના પરિવારજનોએ તાત્કાલિક ડીસા પોલીસને જાણ કરતા પોલીસે હાલ આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.