બાડાની સીમમાં 2 પવનચક્કી આવી તસ્કરોના નિશાને : 80 હજારની થઈ તસ્કરી
 
                
ભુજ: માંડવી તાલુકામાં બાડા ગામની સીમમાં કાર્યરત સુઝલોન કંપનીની જુદી-જુદી બે પવનચક્કીને નિશાન બનાવતા કોઇ હરામોખોરો રૂા. 80 હજારની કિંમતનો કેબલ કાપીને તસ્કરી કરી ગયા હતા. સુઝલોન કંપનીની પવનચક્કીની સુરક્ષા વ્યવસ્થા માટે કાર્યરત મીત સિકયુરિટી સર્વિસ નામની ખાનગી સલામતી એજન્સીના મેનેજર કાઠડા (માંડવી)ના રહેવાસી નારાણ ભારમલ ગઢવીએ આ મુદ્દે માંડવી પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે દરિયાદ દાખલ કરી હતી.પોલીસે ફરિયાદને કેન્દ્રમાં રાખી જણાવ્યું હતું કે, બાડાની સીમમાં કાર્યરત પવનચક્કી બી.-034 અને બી.-02ને આ બનાવમાં તસ્કરોએ ટાર્ગેટ બનાવી હતી. 034 ખાતેથી રૂા. 60 હજારનો 400 મીટર કોપર કેબલ અને 02 ખાતેથી રૂા. 20 હજારનો 130 મીટર કેબલ કાપીને તસ્કરી જવાયો હતો. કંપનીના સાઇડ સુપરવાઇઝર પાંચોટિયાના પ્રકાશભા ભોજરાજભા ગઢવીના ધ્યાને આ તસ્કરી આવ્યા બાદ તેમણે મેનેજર નારાણભાઇને વાકેફ કર્યા હતા. આ બાદ ગાર્ડ અનવર અદ્રેમાન સાથે જગ્યાની મુલાકાત લેતાં તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને કંપનીના અધિકારીઓ સાથે વાટાઘાટો બાદ ફરિયાદ નોંધાઈ હતી.’
 
                                         
                                        