નંદાસરમાં સગા ભાઇ-ભત્રીજાએ આધેડ ઉપર પાઇપ,લાકડી વડે કર્યો હુમલો
 
                
ગાંધીધામ : રાપરના નંદાસર ગામમાં વડીલોની જમીનના બાબતે મનદુ:ખ રાખી એક આધેડ ઉપર તેના સગા ભાઇ- ભત્રીજાએ પાઇપ, લાકડીથી હુમલો કર્યો હતો. નંદાસર ગામમાં રહેતા રામજી કેશાભાઇ ચૌધરી નામના આધેડ વાડીએ હતા. આ જમીન તેમના માતાના નામે છે. આ જમીનમાંથી હિસ્સો જતો કરવા બાબતે આ ફરિયાદી અને તેમના ભાઇ વચ્ચે અગાઉ અનેક વખત બોલાચાલી થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમ્યાન આ ફરિયાદીના ભાઇ આંબા કેશા ચૌધરી અને ભત્રીજો ભચુ આંબા ચૌધરી નામના ઇસમો વાડીએ આવ્યા હતા અને પાઇપ તથા લાકડી વડે આ ફરિયાદી ઉપર હુમલો કરી ભાગી ગયા હતા. મારામારીના આ ઘટનામાં આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        