ભુજનો ટ્રાવેલ્સ સંચાલક 1 દિવસના રિમાન્ડ પર : તમંચો-કારતૂસ જપ્ત
 
                
ભુજ: રૂપિયા હસ્તગત કરવા માટે શહેરમાં એ.ટી.એમ. યંત્રમાંથી તસ્કરી કરવા કક્ષના તાળાં ઉપર ગોળીબાર સહિતની હરકતોને અંજામ આપનારા અત્રેના હેમલ ટ્રાવેલ્સના સંચાલક કલ્પેશ દેવેન્દ્રભાઇ ઠકકરના પોલીસે એક દિવસના રિમાન્ડ આજે મેળવ્યા હતા. આ તહોમતદાર પાસેથી એક દેશી પ્રકારનો તમંચો અને 10 જીવતા કારતૂસ પણ જપ્ત લેવાયા હતા. વિધિવત રીતે અટક કરાયેલા કલ્પેશ ઠકકરને આજે અત્રેની ચીફ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે તેને એક દિવસના રિમાન્ડ ઉપર લેવાનો આદેશ કર્યો હતો. રિમાન્ડ મળ્યા પછી પોલીસે સઘન પૂછતાછ અવિરત રાખી છે.પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં કહ્યું હતું કે ઈસમ કલ્પેશ ઠકકર પાસેથી ઘટનાને અંજામ આપવામાં વપરાયેલો દેશી તમંચો ઉપરાંત 10 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. આ ગેરકાયદે શત્રસામગ્રી કલ્પેશ ત્રણેક વર્ષ પહેલાં હરિદ્વાર ગયો હતો ત્યારે ત્યાંથી લાવ્યો હતો. સંસ્કાર નગર સ્થિત એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ. કક્ષના તાળાં ઉપર ગોળીબાર કરવા માટે આ તમંચાનો ઉપયોગ કર્યા પછી ઇસમે તમંચો અને કારતૂસ તેના ઘર પછવાડે બાવળની ઝાડીઓમાં ફેંકી દીધા હતા. જયાંથી પોલીસે તેને જપ્ત કરી લીધા હતા.’ દરમ્યાન કલ્પેશે ચોરીના પ્રયાસ સહિતની આ ઘટનાને પોતાની આર્થિક ખેંચના કારણે અંજામ આપ્યો હોવાનું પણ પોલીસની પૂછતાછમાં બહાર આવ્યું’ છે.’
 
                                         
                                        