મેઘપર બોરીચીની સીમની હોટેલમાં ગલુડિયાંની કર્મીએ કરી હત્યા

ગાંધીધામ : ગળપાદર-અંજાર ધોરીમાર્ગ ઉપર મેઘપર બોરીચીની સીમમાં આવેલી એક હોટેલના કર્મચારીએ એક ગલુડિયાનું ગળું દબાવી તેને મારી નાખતાં આ ઈસમ સામે આદિપુર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો છે. શર્મા રિસોર્ટમાં ગત તા. 23-6ના આ ઘટના બની હતી. આ હોટેલમાં કામ કરનારો મૂળ નાગાલેન્ડનો ખુમકીલી રોલોન્ગસે સગતમ નામનો ઈસમ કયાંકથી નાનું ગલુડિયું હોટેલમાં લઇ આવ્યો હતો. આ ઇસમે શ્વાનના બચ્ચાને ખવરાવ્યું, નવરાવ્યું હતું. પોલીસે માહિતી આપતાં કહ્યું હતું કે, આ ઈસમ ગલુડિયાને લઇ આવી તેને પોતાના રૂમમાં રાખ્યું હતું દરમ્યાન નાના એવા આ બચ્ચાંએ રૂમમાં ગંદકી કરતાં મેનેજરે ઇસમને ઠપકો આપ્યો હતો. મેનેજરના આ ઠપકા અને ગલુડિયાએ કરેલી ગંદકીના’ કારણે ઈસમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ત્રાસ આપી તેનું ગળું દબાવી નાના જીવને મારી નાખ્યો હતો. ઓછામાં પૂરું આવું કૃત્ય કરનારા આ ઇસમે ગલુડિયાને મારતી વખતે પોતાનો વીડિયો બનાવ્યો હતો. અને પોતાના મિત્રોને જઘન્ય કૃત્યનો આ વીડિયો પણ મોકલાવ્યે હતો. ફરતા-ફરતા આ વીડિયે પોલીસ પાસે પહોંચતાં પી.એસ.આઇ.એન.કે. ચૌધરીએ આ ઈસમ સામે ફરિયાદ નોંધાવી તેને રાઉન્ડઅપ કરી લીધો હતો. આવા બનાવને લીધે ભારે ચકચાર પામી હતી.