સુરતમાં કાપડના વેપારીનું અપહરણ કરી 5 કરોડની લૂંટ ચલાવતા, બેની અટક

સુરત : કીમના કાપડના વેપારીનું અપહરણ કરી 5 કરોડ પડાવવાના કાવતરામાં સામેલ બે ઈસમની પાંડેસરાના સિદ્ધાર્થનગરથી ક્રાઇમ બ્રાંચે અટક કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ  પીપોદરા લક્ષ્‍મી કોમ્પ્લેક્સમાં રહેતો અજય દત્ત ઉર્ફે અજય બંગાળી કિમના વેપારીને અપહરણ કરીને તેની પાસેથી પાંચ કરોડની લૂંટ ચલાવવાના કાવતરામાં સામેલ હતો. ઝારખંડના ગોદા જિલ્લાની કુસુમ ઘાટીનો વતની અજય થોડા સમય પહેલા મહેસાણામાં હુમલો, બળાત્કાર અને ગંજાની દાણચોરીના ત્રણ જુદા-જુદા કેસોમાં પકડાયો હતો. મહેસાણા જેલમાં 6 મહિના પહેલા તે અમરસિંહ ઠાકોરને મળ્યો હતો. બંને મિત્ર બની ગયા હતા. જેલમાંથી છૂટવાના થોડા દિવસ પહેલા તેણે તેને સુરત બોલાવ્યો હતો. અમરસિંહ મોટી લૂંટ ચલાવવાની તૈયારીમાં હતો. બંનેએ કીમ નજીક તાડકેશ્વર ખાતે એક કાપડ મિલના માલિકનું અપહરણ કરી લૂંટ ચલાવવાનું કાવતરું ઘડ્યું હતું. મિલ માલિક સાંજે છ-સાત વાગ્યે ડ્રાઇવર અને સુપરવાઇઝર સાથે કારમાં બેસી મિલથી ઘરે જતો હતો. તેને રસ્તામાં અપહરણ કરીને લૂંટવાનો ઈરાદો હતો. પરંતુ અમરસિંહ ઠાકોર અને તેના સાથીઓ આ કાવતરાને અંજામ આપે તે પહેલાંજ પોલીસે એ લોકોની અટક કરી હતી.