લાખાવટ-વીજપાસર રસ્તા ઉપર ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપ્યો
 
                
ગાંધીધામ: ભચાઉ તાલુકાના લાખાવટ અને વીજપાસર રસ્તાપરથી પોલીસે એક કારનો ફિલ્મી ઢબે પીછો કરી આ વાહનમાંથી રૂા. 53,700નો અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, પરંતુ ત્રણ આરોપી પોલીસની ઝપટમાં આવ્યા ન હતા. ભચાઉ પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન લાખાવટ ગામના ત્રણ રસ્તા’ પાસે પહોંચતાં સુવઈના ધવલસિંહ બળુભા સોઢાએ જીગા રૂપશી કોળી અને ભરત પ્રેમજી કોળીને દારૂ ભરી આપ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ જીગો કોળી અને ભરત કોળી લાખાવટથી વીજપાસર જતા રોડ ઉપરથી પસાર થવાના હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. તેવામાં આ કાર આવતાં પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી પરંતુ વાહનચાલક કાવો મારીને પોતાનું વાહન આગળ હંકારી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. કાચા માર્ગ ઉપર ધૂળની ડમરીઓ વચ્ચે ઇસમો કારને વચ્ચે જ મૂકીને અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં ઓઝલ થઈ ગયા હતા. આ કાર નંબર જીજે-01-આરએલ- 4318ની ડેકીની તલાસી લેવામાં આવી હતી. આ વાહનમાંથી એપિસોડ કલાસિક વ્હીસ્કી 750 એમ.એલ. 120 બોટલ તથા હેવર્ડઝ 5000 સુપર સ્ટ્રોંગ બિયરના 117 ટીન એમ કુલ રૂા. 53,700નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. પોલીસની આ તપાસ દરમ્યાન એકેય આરોપી ઝપટમાં આવ્યો ન હતો. વાગડ પંથકમાં આવેલી અમુક વાડીઓમાં ભૂગર્ભ ટાંકા બનાવી તેમાં અનેક ટાંકાઓમાં હજારોની સંખ્યામાં દારૂની પેટીઓ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્થાનિક ગુના શોધક શાખા નીતિમત્તાથી તપાસ કરે તો કરોડોનો દારૂ પકડાય તેમ હોવાનું પણ?સૂત્રોએ ઉમેર્યું હતું.’
 
                                         
                                        