માધાપરમાં 2 કિશોરો પર લાકડી સહિતના હથિયારો વડે માર મરાયો

ભુજ: તાલુકાના માધાપર ગામે કોટકનગર વિસ્તારમાં શૈલેષ નારાણ પરમાર (ઉ.વ.17)ને તેના ઘરેથી ઉઠાવી જઇને તેને લાકડી સહિતના હથિયારો વડે હુમલો કરાયો  હતો. તો આ જ વિસ્તારમાં રહેતા કિશન નિરંજનભાઇ ઠકકર (ઉ.વ.17)ને ફોન કરીને બોલાવ્યા બાદ તેને લાકડી વડે માર મરાતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. આ બન્ને કિસ્સામાં ઇસમો એક જ હોવાનું બહાર આવ્યું છે. બહાર આવેલી માહિતી મુજબ માધાપરમાં કોટકનગરમાં રહેતા શૈલેષ પરમારને તેના ઘરેથી લાલો રબારી, કરણ આહીર તથા તેમની સાથેના બીજા આઠેક ઈસમ  ઉઠાવી ગયા હતા. આ બાદ તેને લાકડી અને અન્ય હથિયારો વડે માર મરાયો હતો. જયારે કોટકનગરમાં જ રહેતા કિશન ઠકકરને પણ કરણ આહીરે ફોન કરીને બોલાવ્યો હતો. બાદમાં તેને કરણ અને તેની સાથેના અજાણ્યા ઇસમોએ લાકડી વડે માર મારતાં તેને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.ભોગ બનનાર બન્ને તરુણ વયના છોકરાને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં તેમના સંબંધીઓએ આ વિગતો લખાવી હોવાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું. બન્ને યુવકને શા માટે માર મરાયો તેની વિગતો પ્રાથમિક તબકકે સ્પષ્ટ થઇ નથી. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.’પતિ-સાસુનો ધારિયાંથી હુમલો બીજીબાજુ ભુજમાં ઘરેલુ ત્રાસની ઘટનામાં દીનદયાલ નગર ખાતે રહેતી રૂકશાના ગુલામ ચંગલ (ઉ.વ.25) ઉપર આજે બપોરે ધારિયાં વડે હુમલો કરાયાની ઘટના બહાર આવી છે. સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયેલી આ પરિણીત યુવતીએ હુમલો કરનારા તરીકે પોતાના’ પતિ ગુલામ ભચુ અને’ સાસુ જેનાબેનના નામ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં નોંધાયા હતા.