રહાડી પાટિયે ટ્રેઇલરમાં ભટકાતાં ટેન્કર ચાલકનું મોત નીપજયું

ગાંધીધામ.રાપર તાલુકાના ગાગોદર નજીક રહાડી પાટિયા નજીક આગળ જઇ રહેલા ટ્રેઇલર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલું ટેન્કર ટ્રેઇલરમાં પાછળ ભટકાતાં યુવાનટેન્કર ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના આડેસર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઇ છે.  આગળ જઇ રહેલા ટ્રેઇલર ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો આ બાબતે રાજસ્થાનના બાડમેરના ખેરાજરામ પુર્ખારામ જાટે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસ સૂત્રોએ વિગતો આપી હતી કે, જેમાં જીજે-12-બીટી-8939 નંબરનું ટેન્કર લઇને તેમનો ભાઇ હેમારામ પુર્ખારામ જાટ જઇ રહ્યો હતો ત્યારે ગાગોદર પાસે રહાડી પાટિયા પાસે આગળ જઇ રહેલા આરજે-19-જીડી-7978 નંબરના ટ્રેઇલર ચાલકે અચાનક બ્રેક મારતાં તેના ભાઇના કબજાનું ટેન્કર ટ્રેઇલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું જેમાં તેને માથાના તેમજ પગના ભાગમાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક પોતાનું વાહન મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના પગલે જ્યારે લોકડાઉનમાં અવર જવર ઓછી હોવાને કારણે ઘટી ગયેલા અકસ્માતના બનાવો વધી ગયા છે. વાહન ચાલકોની બેદરકારી આવા માર્ગ અકસ્માતોમાં મોટા ભાગે જવાબદાર હોવાનું સામે આવે છે.